કોંગ્રેસને તૃણમૂલ સિવાય ૧૮ પક્ષોનો ભારત બંધ માટે મળ્યો ટેકોઃ સવારે ૯ થી બપોરે ૩ સુધી બંધ રાખવા અપીલઃ સરકાર ઉપર કોંગ્રેસના તીખા તમતમતા પ્રહારો
નવી દિલ્હી, તા. ૮ :. દેશમાં વધી રહેલી મોંઘવારી, રાફેલ કૌભાંડ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં બેફામ વધારા સામે કોંગ્રેસે સોમવારે એટલે કે ૧૦મીએ ભારત બંધનું એલાન આપ્યુ છે. આ બંધના એલાન માટે કોંગ્રેસને તૃણમૂલ કોંગ્રેસ સિવાય નાના મોટા ૧૮ જેટલા પક્ષોનું સમર્થન મળ્યુ છે. તૃણમૂલે કહ્યુ છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને અમે ઉઠાવતા રહેશુ પરંતુ વિપક્ષોના ભારત બંધના એલાનને અમે સમર્થન કરતા હતા.
પેટ્રોલ અને ડીઝલના બેફામ ભાવ વધારા સામે કોંગ્રેસે સોમવારે ભારત બંધનું એલાન આપ્યુ છે. પક્ષે કહ્યુ છે કે, સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે અને મોંઘવારીનો રાક્ષસ ધૂણી રહ્યો છે અને સરકાર મૌન બેઠી છે. સરકારની નીતિઓને કારણે આમ આદમીને સહન કરવુ પડયુ છે. કોંગ્રેસનું કહેવુ છે કે ભારત બંધ માટે અમને સપા, બસપા, એનસીપી, ડીએમકે, રાજદ, માકપા, ભાકપા, જેડીએસ, રાલોદ, જારખંડ મુકિત મોરચો સહિત નાના પક્ષોનું સમર્થન મળ્યુ છે. પક્ષના એક નેતાએ કહ્યુ છે કે ૧૮ પક્ષો અમને ટેકો આપી રહ્યા છે અને સોમવારે ભારત બંધ સફળ રહેશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષના ખજાનચી અહેમદ પટેલે તમામ વિપક્ષી નેતાઓ સાથે વાતચીત કરી છે. પશ્ચિમ બંગાળમાં પોતાની સરકાર હોવાને કારણે તૃણમૂલ ત્યાં જનજીવન ઠપ્પ કરવાના પક્ષમાં નથી. કોંગ્રેસે તમામ સામાજિક સંગઠનો અને સામાજિક કાર્યકરોને બંધ સફળ બનાવવા હાકલ કરી છે. ભારત બંધ સવારે ૯ થી બપોરે ૩ સુધી રહેશે કે જેથી સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે.
કોંગ્રેસે બંધને સફળ બનાવવા માટે પોતપોતાના રાજ્ય એકમોને વિવિધ પ્રકારના નિર્દેશો આપ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે મોંઘવારી વિરૂદ્ધ બંધને સફળ બનાવે.
( સૌજન્ય : અકિલા )