અમદાવાદ: પોસ્ટ વિભાગે 1 સપ્ટેમ્બરથી ગુજરાત સહિત દેશભરમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી)ની શરૂઆત થઈ રહી છે. આ બેંકમાં કોઈ પણ વ્યક્તિ માત્ર આધાર નંબરની મદદથી ખાતું ખોલાવી ડિજિટલ લેણદેણ કરી શકશે. હાલ ગુજરાતમાં 32 સહિત દેશમાં 650 પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરાશે. જ્યારે 31 ડિસેમ્બર સુધીમાં ગુજરાતની 8900 સહિત દેશભરની તમામ 1.55 લાખ પોસ્ટ ઓફિસમાં પેમેન્ટ બેંક શરૂ કરી દેવાશે. આ સેવાનો લાભ 7 હજારથી વધુ ગ્રામીણ ડાક સેવક તેમજ 4 હજાર પોસ્ટમેનની મદદથી લોકો ઘરે બેઠા મેળવી શકશે.
આધાર નંબર, થમ્બ સિગ્નેચર આપવા પડશે
ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ ગૌતમ ભટ્ટાચાર્યએ જણાવ્યું કે, તમામ પોસ્ટમેનને સ્માર્ટ ફોનની સાથે થમ્બ સિગ્નેચર સિસ્ટમ પણ અપાશે. કોઈ પણ વ્યક્તિ પોસ્ટમેનનો સંપર્ક કરી પોતાનો આધારનંબર અને થમ્બ સિગ્નેચર આપી ખાતું ખોલાવી શકશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ટેકનોલોજીની મદદથી બેંકિંગ સેવા જેવી કે એસએમએસ બેકિંગ, આરટીજીએસ, આઈએમપીએસ, ઇ-કેવાયસી, ડિજિટલ ખાતાની સેવા પૂરી પાડશે. આ સેવાનો લાભ મોટાભાગે નાના અને મધ્યમ ઉદ્યોગો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, સ્થળાંતર કરતા કામદારો, સિનિયર સિટીઝન સહિત અન્ય લોકો પણ લઈ શકે છે.
મોબાઈલ-ડીટીએચ રિચાર્જ, ગેસ-લાઈટ બિલ ભરી શકાશે…
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં કોઈ પણ વ્યક્તિ સેવિંગ્સ કે કરન્ટ એકાઉન્ટ ખોલાવી ઝડપી મની ટ્રાન્સફરની સુવિધાનો લાભ મેળવી શકશે. એજરીતે આ બેંકમાં મનરેગા, શિષ્યવૃત્તિ, સરકારી લાભ અને સબસિડી, લોન, વીમા, રોકાણ, પોસ્ટલ બચત યોજનાઓનો લાભ મેળવી શકશે. એજરીતે મોબાઈલ અને ડીટીએચ રિચાર્ચ, વીજળી, પાણી, ગેસ બિલ તેમમ વીમા પ્રીમિયમ પણ ભરી શકાશે. વધુમાં ઇ-કોમર્સ માટે ડિજિટલ ચુકવણી, નાના વેપારીઓ, કિરાણા સ્ટોર સહિત અન્ય અસંગઠિત છૂટક ઓફલાઈન પેમેન્ટની સુવિધા પણ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે રાજ્યમાં પોસ્ટલ બેન્ક શરૂઆત કરાવશે.. Courtesy_DB