સુરત: સુરતના હરમીત દેસાઈ અને માનવ ઠક્કર સહિતની ટીટી ટીમને ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મળ્યો છે. માનવ ઠક્કરે જણાવ્યું હતું કે, તેણે તૈયારી માટે 11 વર્ષની ઉંમરે જ ઘર છોડી દીધું હતું. હાલ મમ્મીનું ખાવાનું મીસ કરું છું. જ્યારે હરમીતે જણાવ્યું હતું કે, બ્રોન્ઝ મેડલ અમારા માટે ગોલ્ડ મેડલ કરતાં ઓછો નથી.
જાપાન સાથે સેમી-ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં ભારતની ટીમે બાજી મારી
જાકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટમાં ભારતની ટીમે બ્રોન્ઝ મેડલ જિત્યો છે ત્યારે ટીમમાં સામેલ સુરતના ટેબલ ટેનિસ પ્લેયર હરમીત દેસાઈ અને માનવ ઠક્કર સાથે ટેલિફોનિક વાત કરી હતી. જાપાન સાથે સેમી-ફાઈનલ મેચ યોજાઈ હતી જેમાં ભારતની ટીમે બાજી મારી હતી. એશિયન ગેમ્સના ઈતિહાસમાં ટેબલ ટેનિસમાં પહેલી વખત 18 વર્ષના ખેલાડીએ ભાગ લીધો હતો. તે સુરતનો માનવ ઠક્કર છે.
એશિયમ ગેમ્સ જેવી ઇવેન્ટમાં ભારતનું નામ ગર્વથી લેવામાં આવે છે
હરમીત દેસાઈ કહે છે કે, મેચ જીતવી અમારા માટે ખૂબ જ ટફ હતી કારણ કે, સેમી ફાઈનલમાં અમારી સામે જાપાનની ટીમ હતી. જાપાનની ટીમ વિશ્વની બીજા નંબરની ટીમ છે. એટલે અમે જીતવા માટે અલગ પ્રકારની સ્ટ્રેટેજી બનાવી હતી. સામેની ટીમના ખેલાડીએ કંઈ રીતે રમે છે, એનો પણ અભ્યાસ કર્યો હતો. અમારી ટીમના બધા જ ખેલાડીઓ રમવા માટે સક્ષમ હતાં. હું વર્ષ 2006થી ઈન્ડિયન ટીમમાં છું અને 2011થી ઘર છોડી દીધું છે. ટ્રેનિંગ માટે સ્વીડન, ઓસ્ટ્રીયા જેવા દેશોમાં રહું છું. વર્ષમાં એક મહિનાથી ઓછો સમય જ ઘરે રહેવાનું થાય છે. કોમન વેલ્થ ગેમ્સમાં પણ અમે 8 મેડલ જીત્યા હતાં. બ્રોન્ઝ મેડલ ગોલ્ડ કરતાં સહેજ પણ નીચો નથી કારણ કે, ઈતિહાસમાં પહેલી વખત ભારતની ટીમે ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મહેનતનું પરિણામ અમને મળ્યું. હવે વધારે મહેનત કરીને સારું પરિણામ મેળવીશું. ખુશી થાય છે જ્યારે એશિયમ ગેમ્સ જેવી ઇવેન્ટમાં ભારતનું નામ ગર્વથી લેવામાં આવે છે.
માનવ ઠક્કરે 11 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું છે, વર્ષે 15-20 દિવસ જ ઘરે રહે છે
માનવ ઠક્કર કહે છે કે, મને એશિયન ગેમ્સનું એક્સાઈટમેન્ટ હતું. કારણ કે હું પહેલી વાર એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છું. બધા જ ખેલાડીઓ સિનિયર છે. જો કે, એશિયન ગેમ્સના ઈતિહાસમાં ટેબલ ટેનિસમાં સૌથી નાનો ખેલાડી તરીકે હું છું. મારી ઉંમર 18 વર્ષની છે. 11 વર્ષનો હતો ત્યારથી મેં ઘર છોડી દીધું છે. મેડલ લાવવા માટે ખૂબ જ કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે. વર્ષ દરમિયાન માત્ર 15-20 દિવસ જ હું ઘરે હોવ છું. મમ્મીના હાથનું જમવાનું પણ છોડવું પડે છે. હું અને હરમીત સાથે હોઈએ ત્યારે લોચો અને કોકો યાદ કરીએ છીએ. દિલ્હીમાં સાથે ગુજરાતી થાળી પણ ખાવા માટે જઈએ છીએ. ખેલાડી બનવા માટે ઘણાં બધા કોમ્પ્રોમાઈઝ કરવા પડે છે. સૌથી પહેલાં તો ઘર, ઘરનું ફુડ, સોશિયલ મિડિયાનો વધારે પડતો ઉપયોગ છોડવો પડે છે. હું રોજ 5થી 6 કલાક મહેનત કરું છું. જ્યારે મેડલ હાથમાં આવે છે, ત્યારે બધો જ થાક, ઇચ્છાઓ ખુબ જ ઓછી પ્રાયોરિટીવાળુ લાગે છે….સૌજન્ય DB