વડોદરા શહેરનું હરણી પોલીસ સ્ટેશન દેશનું પહેલું ગ્રીન પોલીસ સ્ટેશન બન્યું છે. હૈદરાબાદની ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે જળસંચય અને વીજળી બચત જેવા માપદંડોમાં હરણી પોલીસ સ્ટેશનને સિલ્વર રેટિંગ આપવામાં આવ્યું છે. આ જ પ્રકારનું દેશનું બીજા નંબરનું ગ્રીન પોલીસ સ્ટેશન હાલ જયપુરમાં આકાર લઇ રહ્યું છે, જ્યારે ગત વર્ષે કર્ણાટક પોલીસના હેડક્વાર્ટરને ગ્રીન બિલ્ડીંગ તરીકે જાહેર કરાયું હતું.
વોટર હાર્વેસ્ટિંગ, સોલાર પેનલ સહિતની સુવિધાઓથી સજ્જ છે હરણી પોલીસ સ્ટેશન
વડોદરા શહેર પોલીસના ડીસીપી(વહીવટ) મનિષ સિંગે જણાવ્યું હતું કે ગત વર્ષે તેઓ વડોદરા શહેરમાં ઝોન-2 ડીસીપી તરીકે કાર્યરત હતા, ત્યારે તેમણે ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ પાસે ગ્રીન બિલ્ડિંગ તૈયાર કરવા બાબતે માર્ગદર્શિકા મંગાવી હતી. પોલીસ સ્ટેશનમાં વીજસંચય માટે સોલાર પેનલ લગાડવામાં આવી છે. પોલીસ સ્ટેશન અને બહારના ભાગે એલઇડી લાઇટ છે. પાણીનો વેડફાટ રોકવા માટે વોટર મીટર પણ છે. વેસ્ટ પાણીને રિસાઇકલ કરીને બગીચામાં છંટકાવ કરવાની વ્યવસ્થા છે. જળ સંચય માટે વોટર હાર્વેસ્ટિંગની પણ વ્યવસ્થા છે. માત્ર એક લાખ કરતાં ઓછા ખર્ચે આ સુવિધા વિકસાવાઇ હતી. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે 61 પોઇન્ટ આપીને પોલીસ સ્ટેશનને સિલ્વર રેટિંગ આપ્યું છે.
હરણી પોલીસ સ્ટેશનને સિલ્વર રેટિંગ
વડોદરાનું હરણી પોલીસ સ્ટેશન દેશનું પહેલું સર્ટિફાઇડ ગ્રીન પોલીસ સ્ટેશન છે. અમારા મુખ્ય પાંચ માપદંડો છે અને તે મુજબ રેટિંગ આપવામાં આવે છે, જેમાં વડોદરાના હરણી પોલીસ સ્ટેશનને સિલ્વર રેટિંગ મળ્યું છે. દેશના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ 4500 સાઇટ અમારા રેટિંગ મુજબ ગ્રીન બિલ્ડીંગ તરીકે જાહેર કરાયેલા છે.
-ડો.શિવરાજ ઢાકા, કાઉન્સિલર, ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ, હૈદરાબાદ