મહારાષ્ટ્રના જલગાંવનો શખ્સ અંક્લેશ્વર ખાતે રહેતી તેની બહેનને ત્યાં રક્ષાબંધન નિમિત્તે જઇ રહ્યો હતો. દરમિયાન પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી તે ભરૂચ સ્ટેશને ઉતરતો હતો. ત્યારે બે ગઠિયાઓ એકબીજાના મેળાપીપણાથી તેનું પર્સ ચોરી કરી લીધું હતું. જોકે બાદમાં તેમને જાણ થતાં તેમણે બન્નેને ઝડપી પાડ્યાં હતાં. બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જલગાંવના અમલનેર ખાતે રહેતો દિપક વાસુદેવ પવાર અંક્લેશ્વર ખાતે રહેતી તેની બહેનને ત્યાં રક્ષાબંધન કરવા માટે જઇ રહ્યો હતો. તે દહાણુરોડથી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશને ઉતર્યો હતો. ટ્રેનમાંથી ઉતરતી વેળાં ભીડ વધુ હોઇ તેનો લાભ ઉઠાવી એક ગઠિયાએ તેમના ખિસ્સામાંથી પર્સની ચોરી કરી હતી.
જોકે તેમને ખબર પડી જતાં તેમણે બુમરાણ મચાવતાં આસપાસના લોકોએ મળી બે ગઠિયાઓને ઝડપી પાડ્યાં હતાં. પ્રાથમિક પુછપરછમાં તેમના નામ સાહિલ અબ્દુલ ગફાર શેખ તેમજ સમીર રફિક પટેલ બન્ને રહે રૂસ્તમપુરા સૂરતના હોવાનું જણાયું હતું. પોલીસે તેમની પાસેથી ચોરીનું પર્સ કબજે કરી તેમની સામે ગુનો નોંધી અન્ય ગુનાઓમાં તેમની સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.