સૌજન્ય-D B ભરૂચઃ કેવડીયાની સાધુ ટેકરી નજીક આકાર લઇ રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા 15મી ઓકટોબર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. માત્ર દોઢ મહિનાનો સમય બચ્યો હોવાથી કામગીરી ઝડપથી પુર્ણ કરવા માટે 250 એન્જીનીયર અને 3,700થી વધારે કામદારો 24 કલાક શીફટવાઇઝ કામ કરી રહયાં છે. શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી નિર્ધારીત સમયમાં કામગીરી પુરી કરી દેવા સુચના આપી હતી.
નર્મદા ડેમથી ત્રણ કીમીના અંતરે આવેલી સાધુ ટેકરી પર સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી 182 મીટર ઉંચી પ્રતિમાની કામગીરી 85 ટકા પુર્ણ થઇ ચુકી છે. 31મી ઓકટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. આ પ્રતિમાને ક્રોક્રિટ, સ્ટીલ અને બ્રોન્ઝ કલેડેડ એમ ત્રણ સ્ટ્રકચરમાં તૈયાર કરવામાં આવી રહી છે. અત્યારે બ્રોન્જ કલેડેડનો અંતિમ તબકકો ચાલી રહયો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનું ભૂમિપૂજન તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 31 ઓકટોબર 2013ના રોજ કરવામાં આવ્યું હતું. 3 ડીસેમ્બર 2014ના રોજથી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાડા ત્રણ વર્ષ વર્ષમાં સ્ટેચ્યુની કામગીરી 85 ટકા પુરી થઇ છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને 15 ઓકટોબર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે. હવે માત્ર દોઢ મહિનો બચ્યો હોવાથી કામગીરી નિર્ધારીત સમયમાં પુર્ણ કરવા 250 એન્જીનીયર અને 3,700 કામદારો 24 કલાક કામ કરી રહયાં છે. શનિવારે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે સ્ટેચ્યુની મુલાકાત લઇ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી.
સ્ટેચ્યુ ફરતેની સુવિધાઓ માટે 24 કલાક ચાલતું કામ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ એન્ટ્રી ગેટ, ટીકીટબારી, કન્વેન્શન સેન્ટરની કામગીરી પુરી કરવા માટે ત્રણ શીફટમાં 24 કલાક કામ ચાલી રહયું છે. અગાઉ 12 કલાકની ત્રણ શીફટમાં કામ ચાલતું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ કરતાં કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી હતી.
3 જૂન 2018ના રોજ કામ પૂર્ણ કરવાનું આયોજન હતું
સરદાર વલ્લભભાઇ પટેલની 182 મીટર ઉંચી પ્રતિમાનું નિર્માણ 3 જુન 2018 સુધીમાં કરી દેવાનું આયોજન હતું. નિર્ધારીત સમય કરતાં બે મહિના કામ મોડુ ચાલી રહયું છે. 31મી ઓકટોબરે સ્ટેચ્યુનું લોકાર્પણ કરવા સરકાર તત્પર છે અને ત્રણ મહિનામાં બીજી વખત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયાની મુલાકાત લઇ અધિકારીઓને સુચનાઓ આપી છે.