હાર્દિકના ઉપવાસની જાહેરાતની અસરઃ રાજયભરના પોલીસ અધિકારી અને કર્મચારીઓની રજાઓ ઉપર તાકિદની અસરથી પ્રતિબંધ મુકતા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા :રપ મી એ મુખ્યમથક પર હાજર રહેવા તમામ અધિકારીઓ અને સ્ટાફને સ્ટેટ કન્ટ્રોલના ડીવાયએસપી ગૌરવ જસાણી દ્વારા ડીજીપી ના હુકમથી જાણ કરાઇ
રાજયની પ્રર્વતમાન પરિસ્થિતિ અને પાસના આગેવાન હાર્દિક પટેલે અનામતના મુદદે તથા ખેડૂતોના વિવિધ પ્રશ્ને આમરણાંત ઉપવાસની જાહેરાત કર્યાના પગલે પગલે અમદાવાદમાં ૧૪૪ મી કલમ લાગૂ કર્યા બાદ રાજયભરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાકિદની અસરથી રદ કરતો હુકમ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા કરવામાં આવ્યો છે. હાલમાં જે કોઇ અધિકારી કે કર્મચારી રજા પર છે તેઓની રજા ખાસ કિસ્સા સિવાયના કેસમાં ટૂંકાવી નાખવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓએ તા. રપ ના રોજ મુખ્યમથક પર હાજર રહેવા પણ પોલીસ વડાના આદેશથી સ્ટેટ કન્ટ્રોલના ડી.વાય.એસ.પી. ગૌરવ જસાણી દ્વારા થયેલ હુકમમાં જણાવ્યું છે. અત્રે યાદ રહે કે તા. રપ મી ના રોજ હાર્દિક દ્વારા આમરણાંત ઉપવાસની જાહેરાત થઇ છે. જો કે ઉપવાસ માટે તેને કોઇ જગ્યા ફાળવવામાં આવી નથી. બીજી તરફ હાર્દિક દ્વારા ૧૪૪મી કલમ છતા ભાજપ દ્વારા જે રીત અસ્થિયાત્રા કાઢવામાં આવી તે સામે પણ પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.