ગોધરા,
ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન, ગૌસંવર્ધન રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે પંચમહાલ જિલ્લામાં જિલ્લા કક્ષાના મોરવા(હ) તાલુકાના સાલીયા ખાતે યોજાયેલા ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વે ધ્વજ વંદન કર્યું હતું. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની અંત:કરણ પૂર્વકની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, દેશ માટે શહીદ થવાનો ભલે મોકો ના મળ્યો હોય પરંતુ દેશ માટે જીવીને આગવું કામ કરી છુટવા કટીબધ્ધ થવાની સાંપડેલી તકને રાષ્ટ્ર સેવામાં સમર્પિત કરીએ
રાજ્ય સરકારે ગુજરાતની જનતાના પ્રશ્નો તેમના ઘરઆંગણે જઇ ઉકેલવા ત્રણ તબક્કામાં સેવાસેતુના કાર્યક્રમો કર્યા છે. જેમાં એક કરોડ લોકોના પ્રશ્નો હલ થયાં છે અને ચોથો તબક્કો આગામી ૨૪મી ઓગસ્ટથી પ્રારંભ થશે. તેમ જણાવતાં મંત્રીશ્રી બચુભાઇ ખાબડે કહ્યું હતું કે, રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યના વિકાસની વિભાવનાએ પ્રગતિનો નકશો કંડાર્યો છે. જનહિતના કલ્યાણ માટે મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સરકારે પારદર્શક, પ્રગતિશીલ, સંવેદનશીલ નિર્ણયો લીધા છે. ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, વનબંધુઓ, વંચિતો, ખેડૂતો સૌ કોઇના સમતોલ વિકાસની ઇમારત ઉભી કરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી હંમેશા કહે છે કે, પાણી પરમાત્માનો પ્રસાદ છે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઇએ તેમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા દોઢ-બે દાયકાથી જળ સંચય, જળ વ્યવસ્થાપન અને જળ વિતરણનો ત્રિપાખિંયો વ્યૂહ અપનાવી ગુજરાતે પાણીનું પાણીદાર આયોજન કર્યું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાનમાં ગુજરાતની વિરાટ જનશક્તિ સ્વયંભૂ જોડાઇ રાજ્ય સરકાર સાથે ખભે ખભા મિલાવી જળ સંગ્રહની કામગીરી કરી હતી. આ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં ૧૩૮૨ કામો સામે ૧૪૨૨ કામો પૂર્ણ કરી જિલ્લાની ૨.૩૦ લાખ ઘનમીટર જળ સંગ્રહની શક્તિમાં વધારો કર્યો છે.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બિમારીની સારવારના ખર્ચમાં સરકારે આપેલી રાહતોની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાનો લોકોને વધુ ને વધુ લાભો મળે તે માટે રૂ. ૨.૫૦ લાખની વાર્ષિક આવક મર્યાદાને વધારીને રૂ. ૩ લાખની કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો છે. એટલું જ નહિ સારવાર માટેની રૂ. ૨ લાખની મર્યાદામાં વધારો કરી રૂ. ૩ લાખની કરી છે. ઉપરાંત રૂ. ૬ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબના ૬૦ વર્ષ કે તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને પણ આ યોજના હેઠળ આવરી લીધા છે. કિડની, લીવર અને પેન્ક્રિઆઝના પ્રત્યારોપણ માટે અપાતી રૂ. ૨ લાખની સહાયમાં વધારો કરી રૂ. ૫ લાખની કરવામાં આવી છે. પગના ઘૂંટણ-ની અને થાપા-હીપ રીપ્લેસમેન્ટ એક પગના રૂ. ૪૦ હજાર અને બે પગ માટે રૂ. ૮૦ હજારની સહાય આપવાના સરકારે લીધેલા નિર્ણયની માહિતી મંત્રીશ્રીએ ઉપસ્થિતોને આપી હતી.
રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોના હિતની દરકાર કરી છે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે તાજેતરમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે ધરતી પુત્રોને ૮ કલાકના બદલે હવે ૧૦ કલાક વિજળી આપવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજથી ધિરાણ, જમીનનું પરીક્ષણ, કિસાન હિતકારી યોજના- SKY, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને ઇ-નામ યોજનાથી જોડી ખેડૂતોને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ખુલ્લો મંચ પુરો પાડ્યો છે. પશુપાલકોના પશુઓ માટે મોબાઇલ પશુ દવાખાના, દૂધાળા પશુ ખરીદીમાં સહાય, ડેરી ફાર્મ સ્થાપનાની સહાય જેવા અનેક નિર્ણયો અને યોજનાઓ સરકારે અમલીત કર્યા છે.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડે વિકાસના કેન્દ્રમાં જન સામાન્યને રાખીને સરકારે કાયદો વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, આવાસ, મહિલાઓના સશક્તિકરણ, કુપોષણ ક્ષેત્રે સરકારે કરેલી કામગીરીની ટુંકી વિગતો આ પ્રસંગે આપી હતી.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડના વરદ હસ્તે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહને મોરવા (હ) તાલુકાના વિકાસ કાર્યો માટે રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. જિલ્લાની ચાર પ્રાથમિક શાળાઓને સ્વચ્છ વિદ્યાલય માટે રોકડ પુરસ્કાર, રમતવીર અને જિલ્લાના કર્મયોગીઓને સન્માન પત્ર આપવામાં આવ્યાં હતાં. તેમજ મંત્રીશ્રીએ પોલીસ જવાનોની પરેડનું નિરિક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલે ૧૮ વર્ષ પૂર્ણ કરેલા યુવાનોને મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ નાગરિકોને મતદાર યાદીમાં પોતાના નામ નોંધાવવા અને સુધારણા માટે અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે હાલમાં ચાલી રહેલા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાનમાં જોડાઇ સ્વચ્છતા રાખવા સાથે SSG 18 મોબાઇલ એપ્લીકેશન પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી પોતાનો અભિપ્રાય આપવા જિલ્લાના નાગરિકોને વિનંતી કરી હતી.
જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. તેમાં પ્રથમ આવનાર ત્રણ કૃતિઓને મંત્રીશ્રીના વરદ હસ્તે પુરસ્કારથી નવાજવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય ઉજવણીના કાર્યક્રમનું સમાપન મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાવી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.