ગોધરા,
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે પંચમહાલ જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બી.આર.સી./સી.આર.સી. કોઓર્ડિનેટર, શિક્ષકો સાથે બેઠક યોજી જણાવ્યું હતું કે, આપણા સૌને મિશન વિદ્યાના મહાયજ્ઞમાં જોડાવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. ભારતની ભાવી પેઢીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા અનુરોધ કરતાં તેમણે ધોરણ ૩થી જ બાળકો વાંચન, લેખન અને ગણન કરતાં થાય તે માટેનું વિશેષ ધ્યાન શિક્ષકો દ્વારા અપાય તે જરૂરી છે તેમ કહ્યું હતું.
શાળાના પુસ્તકાલયને ખરા અર્થમાં વાંચનાલય બનાવવા, વિદ્યાર્થીઓમાં ઇતર વાંચન, ઇતર લેખનની પ્રવૃત્તિઓમાં વધારો થાય તે માટે દરેક શિક્ષક સાચા અર્થમાં ગુરૂ બને અને ગુરૂની ગરિમાને ઉજ્જવળ બનાવે તેમ જણાવતા સચિવ ડો. રાવે દરેક બાળકના વાલી સાથે જીવંત સંપર્ક રાખે તેમજ સરપંચ, પંચાયતના સભ્યો અને શાળા વ્યવસ્થાપન સમિતિ-એસ.એમ.સી.ના સભ્યોને પણ આ મહાયજ્ઞમાં જોડવા જણાવ્યું હતું. ડીસએબિલિટી ધરાવતા અને માનસિક રીતે અસ્વસ્થ્ય બાળકો માટે અલગથી અને વિશેષ ધ્યાન આપવા સચિવશ્રીએ જણાવ્યું હતું. તેમણે જિલ્લાની શાળાઓની લીધેલી આકસ્મિક મુલાકાતથી તેઓને સંતોષ થયો છે તેમ જણાવતા કહ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને નવી પેઢીને નયા ભારત બનાવવા પ્રેરિત કરીએ.
જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે જિલ્લામાં મિશન વિદ્યાને સફળ બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શારીરિક, માનસિક સ્વાસ્થ્ય સાથે બાળકોમાં સંસ્કારના સિંચન પણ કરાશે સાથે સાથે બોર્ડની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના પરિણામો નબળા નહિ રહે તે દિશાના પુરતા પ્રયત્નો સૌ સાથે મળીને કરીશું.
બેઠકમાં, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી અર્ચના ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બી.આર.સી., સી.આર.સી. કોઓર્ડિનેટર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.