નાંદોદ તાલુકા ATVTની બેઠક મતમતાંતરને લીધે બે-બે વાર સ્થગિત,કરોડોની ગ્રાન્ટ બે રાજકીય પક્ષના ઝઘડા વચ્ચે ઝૂલતી રહી.
નર્મદા જિલ્લાના રાજકીય પક્ષોના આગેવાનો અને અધિકારીઓ ATVTની બેઠકમાં મતમતાંતર મુદ્દે ‘ના’ જ્યારે સરકારી વર્તુળના એક કર્મચારીએ મતમતાંતરનું કબુલ્યું,ATVT યોજના કાર્યવાહક સમિતિના અધ્યક્ષ સભ્યોને મનાવવામાં કેમ પાછા પડ્યા?
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લાના વિકાસ માટે દર વર્ષે ATVT આયોજન બાબતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળે છે.એ જ રીતે નાંદોદ તાલુકાના વર્ષ 2018-19 ATVT અયોજન અંગે 8/6/2018 અને 24/7/2018 ના રોજ ATVT યોજના કાર્યવાહક સમિતિના અધ્યક્ષ એવા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અધ્યક્ષતામાં બેઠક મળી હતી.આ બન્ને બેઠકો હાજર સભ્યોમાં મતમતાંતર થવાને કારણે સ્થગિત કરાઈ હોવાનું જિલ્લાના રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
હાલ નર્મદા જિલ્લા પંચાયત તથા જિલ્લાની મોટે ભાગની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે.નર્મદા જિલ્લાની વિધાનસભાની નાંદોદ બેઠક પર કોંગ્રેસ અને બીજી ડેડીયાપાડા બેઠક પર બિટીપીના ધારાસભ્ય છે. આમ જોવા જઈએ તો હાલ નર્મદા જિલ્લામાં ભાજપનું જોર ઓછું છે.હવે આવા સમયે નાંદોદ તાલુકાના વિકાસ માટે વર્ષ 2018-19 ATVTના આયોજન અંગે ગત 8મી જુન અને 24મી જુલાઈના રોજ મળેલી બેઠકને હાજર સભ્યો વચ્ચે ઉભા થયેલા મતમતાંતરને લીધે સ્થગિત કરવાનો વારો આવ્યો હતો.આ બન્ને બેઠકમાં નાંદોદના કોંગ્રેસી ધારાસભ્ય, ત્રણેવ તાલુકા પંચાયતના પ્રમુખો,નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ,મહામંત્રી સહિત બિનસરકારી સભ્યોની કાર્યવાહી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.આ બેઠક દરમિયાન કોંગ્રેસ-ભાજપના સભ્યો વચ્ચે કામોની વહેચણી બાબતે મતમતાંતર ઉભા થયા હોવાનું સરકારી વર્તુળો દ્વારા જાણવા મળે છે.
આ મામલે ATVT યોજના કાર્યવાહક સમિતિના અધ્યક્ષ એવા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી અને જિલ્લા ભાજપ પ્રમુખને પૂછતાં એમણે આવું કંઈક થયું ન હોવાનું જણાવ્યું હતું જ્યારે ATVTના આયોજન સંબંધિત કામકાજ સાંભળતા એક કર્મચારીએ મતમતાંતર થયું હોવાનું કબુલ્યું હતું.હવે બન્નેના વિરોધાભાસી જવાબો જ મતમતાંતર થયું હોવાની ચાડી ખાય છે.રાજપીપળા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ચૌધરીએ એમ પણ જણાવ્યું હતું કે આ વખતની મિટિંગમાં કામો ફાઇનલ થઈ ગયા છે સ્ક્રુટીની કર્યા બાદ કામો ચાલુ કરાશે.હાલતો નાંદોદ તાલુકાના બે રાજકીય પક્ષોના ઝઘડા વચ્ચે કરોડો રૂપિયાની નાંદોદ તાલુકાના વિકાસની ગ્રાન્ટ ઝૂલતી રહી છે એવું કહીએ તો ખોટું નથી.જો મતમતાંતર થયું જ ન હોય તો બે-બે વાર બેઠક સ્થગિત કેમ રાખવી પડી એ પણ મોટો પ્રશ્ન છે.