હું કોંગ્રેસની એક સૈનિક છું અને રહીશ મેં ખાલી હોદ્દા પરથી જ રાજીનામુ આપ્યું છે:અંગીરા તડવી
નર્મદા જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર તથા જિલ્લાના હોદ્દેદારોને નજરઅંદાજ કરાતા હોવાની ચર્ચઓએ જોર પકડ્યું.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લા પંચાયત સહિત જિલ્લાની મોટેભાગની તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે.ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં પણ નાંદોદ બેઠક પરથી કોંગ્રેસના પી.ડી.વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે.આમ જોવા જઈએ તો જિલ્લાના રાજકારણમાં હાલ કોંગ્રેસનો જ દબદબો છે ત્યારે જ નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અંગીરા તડવીએ પોતાના હોદ્દા પરથી રાજુનામું આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે અંગીરા તડવીએ પોતાનું રાજીનામુ નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને આપવાની જગ્યાએ સીધું જ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખને મોકલી આપ્યું છે.આ જ બાબત નર્મદા જિલ્લા કોંગ્રેસમાં જુથવાદની ચાડી ખાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ અંગીરા તડવીના સસરા દિનેશ તડવીને હાલમાં જ નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન બનાવાયા છે.તે છતાં એમણે કયા કારણોસર પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હશે એ મામલે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.આ બાબતે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં અમુક હોદ્દેદારોને બાદ કરતાં જિલ્લાના મોટે ભાગના હોદ્દેદારોની અવગણના થઈ છે.બીજી બાજુ અંગીરા તડવીએ આ બાબતે જણાવ્યું હતું કે મેં મારુ રાજીનામું બે મહિના પહેલા જ પ્રદેશ મહિલા સમિતિને મોકલી આપ્યું હતું.મેં જૂથવાદને લીધે નહિ મારા અંગત કારણોસર રાજીનામુ આપ્યું છે.હું કોંગ્રેસ પક્ષની સૈનિકો છું હતી અને રહીશ.તો નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા કોંગ્રેસમાં કોઈ જ જૂથવાદ નથી.તમામ કાર્યકરોને સાથે રાખીને જ ચાલીએ છે.સામાન્ય મનભેદ હોય તો એને જૂથવાદનું સ્વરૂપ ન આપી શકાય,જિલ્લાના કોઈ પણ કાર્યકરનો સંગઠનને લાગતો પ્રશ્ન હોય તો એને જિલ્લા પ્રમુખ તરીકે મેં હંમેશા નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે.