(કાર્તિક બાવીશી )સાગરકાંઠા વિસ્તારના ગામોમાં દરિયાની ભરતીના પાણી ઘૂસવા તથા ભારે વરસાદને પગલે પાણી ભરાવાની બનેલી ઘટનાનો જાત નિરીક્ષણ માટે આદિજાતિ અને વન રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના મરોલી, સરોન્ડા, નારગોલ, આહુ, ખતલાવાડા, સંજાણ, ઉમરગામ, ગોવાડા, દેહરી, સરીગામ અને માંડા ગામના અસરગ્રસ્તોની મુલાકાત લઇ પ્રજાકીય પ્રશ્નો સાંભળ્યા હતા અને અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચના આપી પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કર્યો હતો. નારગોલ ગામે દરિયાના પાણી ગામમાં ઘૂસતા હોઇ જેને અટકાવવા પ્રોટેકશન વોલની મળેલી રજૂઆતના સંદર્ભમાં મંત્રીશ્રી પાટકરે જણાવ્યું હતું કે, પ્રોટેકશન વોલ બાંધવા રૂા.૭.૭૦ કરોડની મંજૂરી મળી ગઇ છે. જુદા-જુદા ગામોના ભારે વરસાદને કારણે રોડને થયેલા નુકશાનનું સત્વરે સમારકામ કરવા જણાવતા ઘરોમાં ભરાયેલા પાણીથી ઘરવખરીને થયેલ નુકશાન સબબ કેશડોલ તથા ઘરવખરી આપવા ઝડપથી કાર્યવાહી હાથ ધરવા સૂચવ્યું હતું. વરસાદી પાણી ઘરમાં ભરાઇ જવાથી વિવિધ ગામોના અસરગ્રસ્તોએ કરેલી રજૂઆત અંગે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવા, રસ્તા ઉપર નાળા નાખવા જણાવ્યું હતું. મંત્રીશ્રી પાટકરે વધુમાં કહ્યું કે, ઉમરગામ દરિયા કિનારે બે નવી જેટી બનાવવા દરખાસ્ત મોકલવા તથા નગરપાલિકા તેમજ મામલતદાર કચેરીના નવા મકાનોના નિર્માણ માટે યોગ્ય જગ્યાની ફાળવણીની કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. ગોવાડા ગામે પંચાયત ઘરનું નિર્માણ કરવા તથા ઘરવિહોણા પરિવારો માટે નવીનગરી ઊભી કરવા ઘરથાળના પ્લોટ ફાળવવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ચોમાસા દરમિયાન દરેક ગામોમાં વીજપુરવઠો નિયમિત રીતે જળવાઇ તે પ્રકારનું આયોજન કરવા દક્ષિણ ગુજરાત વીજ કંપનીને જણાવ્યું હતું. સસ્તા અનાજની દુકાનમાં જરૂરિયાત મુજબનો અન્ન પુરવઠો ન મળતાં કેટલાક રેશનકાર્ડ ધારકોએ કરેલી રજૂઆત અંગે આદિજાતિ કલ્યાણ મંત્રીશ્રી પાટકરે ગરીબ પરિવારોને નિયમિત અન્ન પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, પીવાના પાણી માટે ટાંકી તથા સંપનું નિર્માણ કરવા પણ જણાવ્યું હતું.
મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.દેસાઇ સહિત ઉમરગામ તાલુકાના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારે વરસાદને પગલે ઉમરગામ તાલુકામાં તારાજીનો તાગ મેળવવા સાગરકાંઠાના ગામોની મુલાકાત લેતા આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકર
Advertisement