ગોધરા,
જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો આરંભ જય જલારામ સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો, શાળાઓ અને આંગણવાડીમાં થનારા રસીકરણ હેઠળ જિલ્લાના ૪.૮૨ લાખ જેટલા બાળકોને આવરી લેવામાં આવશે.
ગોધરાના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશની ભાવી પેઢીને તંદુરસ્ત અને રોગમુક્ત રહે તે માટેના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનને આજથી આપણા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. અભિયાનને સફળતાની શુભેચ્છા પાઠવતાં તેમણે અભિયાનમાં જોડાયેલા સર્વેને અભિનંદન આપ્યા હતાં.
જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે, જિલ્લાના તમામ નાગરિકો, માતા-પિતા, શાળાઓ સાથે સ્વૈચ્છિક સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઇ જિલ્લાનું એકપણ બાળક રસીકરણથી વંચિત રહી ન જાય તેવો અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, જે બાળકોને અગાઉ રસી અપાઇ હોય તેવા બાળકોને પણ આ અભિયાન દરમિયાન રસી આપી શકાશે. આ રસીની કોઇ આડ અસર નથી. જિલ્લાના સાત તાલુકાઓ અને ચાર નગરપાલિકા વિસ્તારોમાં પ્રારંભ થયેલા રસીકરણ અભિયાન હેઠળ દરેક બાળક આવરી લેવાય તે આપણી સૌની જવાબદારી છે
જિલ્લામાં રસીકરણ અભિયાનમાં તાલીમ પામેલા આરોગ્ય, શિક્ષણ અને આંગણવાડીના અધિકારીઓ જોડાયા છે. દરેક તાલુકા મથકોએ અને નગરપાલિકા કક્ષાએથી રસીકરણની
કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ બાળકોને આ ઓરી-રૂબેલાની રસીના ડોઝ આપવામાં આવશે. માતા-પિતા-વાલીઓ પોતાના ૦૯ માસથી ૧૫ વર્ષ સુધીના પ્રત્યેક બાળકને આ રસી અપાવી અભિયાનને સફળ બનાવવા યોગદાન આપે તેવી વિનંતી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.