જીગર નાયક,નવસારી
નવસારી : નવસારી જિલ્લા પંચાયત કચેરી દ્વારા પંચાયતની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માનવીને મળી રહે તેવા આશય સાથે જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલના હસ્તે જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલની સહિત વિવિધ સમિતીના ચેરમેન મનીષભાઇ નાયક, નગીનભાઇ, વિનોદભાઇ પટેલની ઉપસ્થિતિમાં એપ્લીકેશનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત દ્વારા યોજનાકીય એપ્લીકેશન બનાવી છે. એ દેશમાં પ્રથમ ઘટના બની છે. જિલ્લા માટે ગૌરવની બાબત છે. આ એપ્લીકેશન અંગેની માહિતી છેવાડાના લોકો સુધી પહોંચે તે જરૂરી છે. જેના દ્વારા તેઓ લાભ મેળવી શકે. તેમણે અધિકારીઓને લોકોને એપ્લીકેશન અંગે જાણકારી આપવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલે જણાવ્યું હતું કે, એપ્લીકેશન થકી જિલ્લા પંચાયતની યોજનાઓની માહિતી લોકોને તેમના મોબાઇલ પર સીધી મળી રહેશે. લોકોને યોજનાકીય માહિતી આંગળીની ટેરવે મળી રહેશે. આ એપ્લીકેશન અંગેની જિલ્લાના વધુમાં વધુ લોકો માહિતગાર થાય તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
ભારત સરકારના ઇલેકટ્રોનિકસ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના વિકાસ પીડિયા પ્રોજેકટ અંતર્ગત સી-ડેક દ્વારા આ એપ ડેવલપ કરવામાં આવી છે. સ્ટેટ નોડલ પર્સન પ્રજ્ઞાબેન શાહે જણાવ્યું હતું કે, આ એક નવતર પહેલ છે. ગ્રામીણ લોકોને માહિતી આપ-લે કરવામાં સક્ષમ બનાવે છે. એન્ડ્રોઇડ બેઇઝ કોઇપણ મોબાઇલ ફોનમાં નવસારી જિલ્લા પંચાયતની એપ ડાઉનલોડ કરી શકશે.
આ એપ માટે લિંક માટે ગુગલ પ્લે સ્ટોરમાં જઇ district panchayat કલીક કરવાથી અને વિકાસ પીડિયા વેબસાઇટ www.vikaspedia.in પર થી ડાઉનલોડ થઇ શકશે.