સુરતમાં યાત્રા પર હુમલો થયા બાદ સુરક્ષાનાં કારણોસર યાત્રા સ્થગિત કરાઇ હોવાનો આક્ષેપ ,રાજ્યની પોલિસ પણ પાટીદાર શહીદ યાત્રાને સુરક્ષા આપતી ન હોવાનો આયોજકોનો આક્ષેપ
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા:)ઉંઝાથી નીકળેલ પાટીદાર શહીદ યાત્રા સોમવારે અચાનક નર્મદાના રાજપીપલામાં સ્થગિત કરી દેવાઇ હતી.ગત સાંજે સુરતમાં યાત્રા પર હુમલો થયા બાદ સુરક્ષાનાં કારણોસર યાત્રા સ્થગિત કરાઇ હતી.તો બીજી બાજુ રાજ્યની પોલિસ પણ પાટીદાર શહીદ યાત્રાને સુરક્ષા આપતી ન હોવાનો આયોજકોએ આક્ષેપ લગાવ્યો હતો.
2015માં પાટીદાર આંદોલન ઉગ્ર બન્યુ હતુ.અને તેમાં ૧૪ જેટલા પાટીદારો શહીદ થયા હતા.બાદમાં આંદોલનકારી પાટીદારો દ્રારા ઉંઝા ઉમીયાધામથી ખોડલધામ સુધી શહીદ યાત્રાની શરૂઆત કરાઇ હતી.જેમાં યાત્રા ગત સાંજે સુરત ખાતે આવી પહોંચી હતી અને તેમાં આગેવાન હાર્દિક પટેલ પણ જોડાયા હતા.જે બાદ મોડી સાંજે સુરતમાં આ યાત્રા પર કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો.અને જે બાદ પોલીસ પ્રોટેકશન સાથે આ યાત્રા આજે નર્મદા જીલ્લામાં પ્રવેશી હતી.પણ અચાનક સાંજે પાસ અગ્રણી દીલીપ સાબવા અને નિલેશ એરવાડીયા સહીતનાં આગેવાનોએ એક ચર્ચા બાદ શહીદ યાત્રા રાજપીપલા ખાતે જ સ્થગિત કરી દીધી હતી.જ્યા સુધી ગુજરાત સરકાર યાત્રાને પુરતો બંદોબસ્ત ન ફાળવે ત્યાં સુધી આ યાત્રાને આગળ નહી વધારવાનો નિર્ણય કર્યો છે.અને આ બાબતે વધુ ખુલાસો અમદાવાદ ખાતે આવતીકાલે કરવામાં આવનાર હોવાની જાહેરાત કરી છે.
આ મામલે પાસ આગેવાન દીલીપ સાબવાએ જણાવ્યું હતું કે પાટીદાર શહીદ યાત્રા રાજપીપલામાં રોકી દેવાઈ છે.ઊંઝા થી કાગવડ સુધી યાત્રાનું આયોજન થયું હતું.ગત રાત્રે યાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો.હુમલાને કારણે અને હવે પૂરતો પોલીસ બંદોબસ્ત ન હોવાના કારણે યાત્રા સ્થગિત કરાઈ છે. સુરતમાં હુમલો થયો તે વખતે પોલીસ પણ હાજર હતી.પણ કશું પણ કરી શકી નથી.