ગોધરા
પંચમહાલ જિલ્લામાં ૪ થા આંતર રાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણી જિલ્લા, તાલુકા,
નગરપાલિકા કક્ષાએ અને શાળા-કોલેજોમાં ઉત્સાહભેર કરવામાં આવી છે. જિલ્લાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. જેમાં કૃષિ ( રાજ્ય કક્ષા) પંચાયત, પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર ની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. આ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૬,૮૦૦ જેટલા શહેરનાં નાગરિકો, વિદ્યાર્થીઓએ યોગ નિદર્શન કર્યું હતું. જેમાં ગોધરાની બહેરા-મૂંગા વિદ્યાલયના ૮૦ જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓએ પોતાની સાંકેતિક ભાષામાં યોગ પ્રશિક્ષકના માર્ગદર્શનમાં યોગાસનો કર્યાં હતાં.
મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે ઉપસ્થિતોને જણાવ્યું હતું કે, યોગને આપણા દૈનિક જીવનનો એક ભાગ બનાવી રોજ-બ-રોજના થતાં રોગો અને તણાવને દૂર રાખી શકીએ છીએ. યોગ માનવ આરોગ્ય સાચવવાની શૂન્ય કિમંત ( Zero Cost) થેરેપી માનવામાં આવે છે. યમ-નિયમનાં પાલન દ્વારા ચારીત્ર્ય અને વ્યક્તિત્વ ઘડતર માટે યોગ સબળ માધ્યમ છે. યોગ એક કસરત નહી પરંતુ આપણામાં વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે.
દેશના વડા પ્રધાન શ્રી નરેંદ્રભાઇ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રિય યોગ દિવસ અપનાવવા વિનંતી કરી હતી. જેને સામાન્ય સભાએ સર્વ સંમતિ આપી ઠરાવ કર્યો અને ૨૧ મી જૂનને આંતર રાષ્ટ્રિય યોગ દિવસ ઉજવવાનું નક્કી કર્યું તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારના અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે જિલ્લાના ખેલ મહાકુંભ-૨૦૧૭ ના જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ યોગ પ્રદર્શિત કરનાર યોગવીરોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના મુખ્ય યોગ નિદર્શન કાર્યક્રમ ઉપરાંત બીજા ચાર કાર્યક્રમો, દરેક તાલુકામાં તાલુકા કક્ષાના બે કાર્યક્રમો અને નગરપાલિકા કક્ષાના એક કાર્યક્રમ યોજાયા હતાં. આ ઉપરાંત જિલ્લાની દરેક શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓએ યોગાસનો કર્યાં હતાં.
ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉ ન્ડ ખાતે યોજાયેલા યોગ દિવસના મુખ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, ઉપ પ્રમુખ શ્રી ગોપાલ ભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, આઇ.જી. શ્રી બ્રજેશકુમાર ઝા, જિલ્લા મુખ્ય ન્યાયાધીશ શ્રી એ.ડી.ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, પોલીસ વડા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિર્વસિટીના વાઇસ ચાંસેલર શ્રી ડૉ. એમ.કે.પાડલિયા, નાયબ વન સંરક્ષક શ્રી અંશુમાન શર્મા, ગોધરા નગર પાલિકાના પ્રમુખ શ્રી ઇલેન્દ્ર પંચાલ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, વકીલ એસોસીએશન , ડોક્ટર્સ એસોસીએશન, શહેરનાં પ્રબુધ્દ નાગરિકો, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી યોગાસનો કરી યોગ દિવસની ઉજવણી કરી હતી.