ગોધરા
પંચમહાલ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય અને તેમાં અબાલ-વૃધ્ધ સૌ કોઇ ઉત્સાહ પૂર્વક ભાગ લે તે માટે જિલ્લા સમાહર્તા ઉદિત અગ્રવાલના અધ્યક્ષપણા હેઠળ બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને જિલ્લાની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ ઉપસ્થિત રહી યોગ નિદર્શનમાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે અને યોગ દિવસ સફળતમ રીતે ઉજવાય તે અંગે વિશદ્ ચર્ચા યોજાઈ હતી. જિલ્લા સમાહર્તાએ, યોગ નિદર્શનના જિલ્લા કક્ષાના, તાલુકા કક્ષાના, નગરપાલિકા વિસ્તારના અને શાળા-મહાશાળાના સ્થળો, યોગ તાલીમના માસ્ટર ટ્રેનર્સ, નોડલ અધિકારીઓની નિમણૂંક જેવી બાબતોની ચર્ચા કરી હતી. આ સાથે સુચારૂં અને સૂક્ષ્મ આયોજન કરવા પણ જણાવ્યું હતું.
યોગ દિવસે, જિલ્લા કક્ષાએ નિદર્શનના પાચ સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં ગોધરા ખાતે પોલીસ હેડક્વાટર્સનું પરેડ ગ્રાઉન્ડ, સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ, કનેલાવનું સ્પોર્ટસ કોમ્પલેક્સ, શારદા વિદ્યા મંદિર શાળા અને પરવડીની જય જલારામ શાળાનો સમાવેશ થાય છે. દરેક તાલુકા કક્ષાએ બે અને જિલ્લાની નગરપલિકા કક્ષાએ એક આ ઉપરાંત વિશેષ સ્થળોમાં પાવાગઢ-માંચી ખાતે વિરાસત વન ખાતે ચાંપાનેરના સ્થાપત્ય સ્થળો, ટુવાના ધાર્મિક સ્થળે પણ સામુહિક યોગ નિદર્શનના કાર્યક્રમો યોજવાની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.