નર્મદા ડેમમાં 8960 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 106.43 મીટરે પહોંચી,નર્મદા ડેમની જળ સપાટી 21મેં ના રોજ 104.97 મીટર હતી,નર્મદા ડેમમાં હાલ 3183.42 MCM પાણીનો જથ્થો.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા ડેમનું લોકાર્પણ થયા બાદ અચાનક ડેમના પાણીમાં ઘટાડો નોંધાતા સરકાર ચિંતામાં મુકાઈ ગઈ હતી.હવે સામે ઉનાળે સિંચાઇ અને પીવાના પાણીની માંગને પહોંચી વળવા નર્મદા ડેમના સિંચાઇ આધારિત ખેડૂતોને ઉનાળુ પાક ન કરવા સરકાર દ્વારા સલાહ અપાઈ હતી.ત્યારે વિપક્ષે સરકારને આક્ષેપોનો મારો ચલાવી રીતસરની ઘેરી લીધી હતી.પરંતુ હાલ છેલ્લા 10 દિવસમાં નર્મદા ડેમની જળસપાટીમાં 1.12 મીટરનો વધારો થતાં સરકાર માટે સારા સમાચાર કહી શકાય.
સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં નર્મદા ડેમની જળસપાટીમાં સતત ઘટાડો નોંધાતો હોય છે.પરંતુ આશ્ચર્ય વચ્ચે 25મી મેં થી 3 જૂન સુધીમાં 1.12 મિટરનો વધારો નોંધાયો છે.નર્મદા ડેમની જળસપાટી ગત 21 મેં ના રોજ 104.97 મીટર,25મી મેં ના રોજ 105.31 મીટર હતી જે હાલ 106.43 મીટરે પહોંચી છે.1 જુલાઈથી 30 જૂન વચ્ચે ઇન્દિરા સાગર ડેમમાંથી 10,000 ક્યુસેક પાણી છોડવું એવો જળ વિવાદ પંચનો ચુકાદો છે.નર્મદા ડેમની ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમનું રૂલ લેવલ 11મી જૂન ના રોજ 248.77 મીટર હતું જે હાલમાં વધીને 249.17 મીટરે પહોંચ્યું છે.જેથી ઇન્દિરા સાગર ડેમનું રૂલ લેવલ જાળવવા માટે વીજ મથકો ચાલુ કરતા એ પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું હોવાને કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાઇ રહ્યો છે એવું કહી શકાય.નર્મદા ડેમની પાણીની આવક 8960 ક્યુસેક થઈ હોવાથી જળસપાટીમાં 106.43 મીટર થઈ છે.હાલ નર્મદા ડેમની IBPT ટનલમાંથી 6000 ક્યુસેક પાણી ગુજરાતને પીવા માટે કેનાલમાં અને એમાંથી 1668 ક્યુસેક પાણી મેઈન કેનાલમાં છોડાઈ રહ્યું છે.નર્મદા નદીના પ્રવાહને જીવંત રાખવા ગોડબોલે ગેટમાંથી 622 ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. જેથી નર્મદા ડેમની પાણીની કુલ આવક સામે જાવક ઓછી થઈ છે.આજ કારણે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજ પાણીનોં જથ્થો 3078.14 MCM થી વધીને 3183.42 MCM થયો છે.