પંચમહાલ: સુજલામ સુફલામ જળ સંચય અભિયાન કાર્યક્રમનો સમાપન સમારોહ હાલોલના વડાતળાવ ખાતે યોજાશે
વિજય કુમાર, ગોધરા
રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમજ લોકભાગીદારીથી હાથ ધરવામાં આપેલા જળ સંચય – જળ સંગ્રહના કામો લગભગ પૂર્ણતાના આરે છે. પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, નહેરોની સફાઇ સહિત વિવિધ ૧૩૮૨ જેટલા કામોનું આયોજન કરવામાં આવ્યુ હતું. જે પૈકી ૬૪૮ કામો પ્રગતિમાં છે જ્યારે ૭૫૪ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. જિલ્લામાં પાણી પુરવઠાની પાઇપલાઇન એરવાલ્વની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આમ જિલ્લામાં જળ અભિયાન હેઠળ સો ટકા ઉપરાંત કામગીરી કરવામાં આવી છે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લાનો સમાપન સમારોહ તા. ૩૧/૦૫/૨૦૧૮નો ગુરૂવારના રોજ સવારે ૦૯:૦૦ કલાકે હાલોલ તાલુકાના વડાતળાવ ખાતે યોજાશે એમ કલેકટર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યુ છે.
વડાતળાવ ખાતે યોજાનાર સમાપન સમારોહના અસરકારક આયોજન અંગે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને આજે પંચમહાલ ખાતે બેઠક યોજાઇ હતી. કલેકટરશ્રીએ જણાવ્યુ કે સમાપન સમારોહમાં સવારે ૦૯:૦૦ કલાકે નર્મદા જળ કળશ પૂજન કાર્યક્રમ હાથ ધરાશે. જેમાં ૧૦૮ જેટલા વિવિધ જાતિના સમુદાયના યુગલો દ્વારા નર્મદા જળનું શાસ્ત્રોક વિધિથી પંડિતો દ્વારા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ નર્મદા પાઠનું ગાન કરવામાં આવશે.
કલેકટરશ્રીએ જણાવ્યુ કે સમાપન સ્થળે પંચમહાલ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ થયેલ નક્કર કામગીરી દર્શાવતું વિવિધ વિભગો દ્વારા પ્રદર્શન યોજવામાં આવશે.
વડાતળાવમાં યોજાનાર સમાપન સમારોહની કામગીરી માટે વિવિધ અમલીકરણ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી કલેકટરશ્રીએ સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, જિલ્લા પોલીસ અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, નિવાસી અધિક કલેકટરશ્રી નલવાયા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.