રાજપીપળા પાલિકા દ્વારા 2.26 કરોડના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.
રાજપીપળાના મુખ્ય બે પ્રવેશ દ્વારના નામકરણ અને તકતી પર લખેલા નામનો વિપક્ષી સભ્યએ વિરોધ નોંધાવી કલેકટરને લેખિત રજુઆત કરી.
રાજપીપળા:સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજપીપળા પાલિકા દ્વારા શહેરના વિકાસ માટે 2.26 કરોડના જુદા જુદા કામોનું સોમવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિજયસિંહ મહારાજા સર્કલ,સૂર્ય દરવાજા ગેટ,વિક્ટોરિયા ગેટ,ભીલ રાજા સર્કલ,હયાત રાજપીપળા નગર પાલિકા બિલ્ડીંગ,લાલ ટાવરનું રીનોવેશન તથા પાલિકા કમ્પાઉન્ડમાં જીમખાનું,રંગ અવધૂત પાસે આવકાર ગેટ,વડિયા જકાતનાકા પાસે આવકાર ગેટ અને રાજપૂત નગર પાસે શૈક્ષણિક દિવાલનો સમાવેશ થાય છે.આ લોકાર્પણ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવા, છોટાઉદેપુર સાંસદ રામસિંહ રાઠવા,નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,રાજપીપળા પાલિકા પ્રમુખ અલકેશસિંહ ગોહિલ,જિલ્લા કલેકટર આર.એસ.નિનામાં,જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગાડીયા,સ્વામી સિધ્ધએસ્વર દાસજી,વિરચીપ્રસાદજી શાસ્ત્રીજી,ગજેન્દ્રસિંહ જાડેજા,ડો.દર્શના દેશમુખ,ભારતી તડવી સહિત રાજપીપળા પાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લોકાર્પણ કાર્યક્રમને અંતે રાજપીપળા પાલિકા વિપક્ષી સભ્ય મહેશ સરાદ વસાવાએ પોતાનો વિરોધ નોંધાવી સ્થળ પર જ કલેકટરને લેખિત રજુઆત કરી હતી.જેમાં જણાવ્યું હતું કે વડિયા જકાતનાકા પાસે શ્રી સ્વામિનારાયણ પ્રવેશદ્વાર અને અવધૂત મંદિર પાસે શ્રી રંગવધૂત પ્રવેશદ્વાર નામકરણ થયું છે જે અમને વિશ્વાસમાં લીધા વિના થયું છે.આ બન્ને પ્રવેશદ્વારોના નામકરણ અને સા.સભામાં કોઈ ઠરાવ કરાયો ન હોવાથી નામકરણ ગેરકાયદેસર છે.આ લોકાર્પણ કાર્યક્રમ અનુસંધાને સ્થળ પર લગાડેલી તકતી ઉપર ભાજપના હોદ્દેદારોના નામોનો ઉલ્લેખ કર્યો છે.આ કાર્યક્રમ સરકાર અને રાજપીપળા નગરપાલિકાનો હોય ભાજપના હોદ્દેદારોના નામો લખી સરકાર અને નગરપાલિકા અધિનિયમનો ભંગ થયો છે.વિવિધ સ્થળે ખોટા નામકરણ કરેલી આ તકતીઓ તાત્કાલિક અસરથી દૂર કરવા વિનંતી.