જમીનના ભાગ મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ હતી,મામલો બીચકતા ભત્રીજાએ કાકા પર કુહાડીના ઉપરા છાપરી ઘા મારતા એમનું સ્થળપર જ મોત નીપજ્યું હતું.
રાજપીપળા:નાંદોદ તાલુકાના વાઘોડિયા ગામે વર્ષ 2016માં જમીનના ભાગ મુદ્દે કાકા-ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ હતી.દરમિયાન મામલો બીચકતા ભત્રીજાએ ઉશ્કેરાઈને કાકા પર કુહાડીથી હુમલો કર્યો હતો.જેમાં કાકાનું ઘટના સ્થળપર મોત નીપજ્યું હતું.આ મામલે પોલીસે ગુનો નોંધ્યો હતો.આ કેસ રાજપીપળાની સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ભત્રીજાને આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે.
બનાવની વિગત મુજબ વાઘોડિયા ગામના સુરેખાબેન પોતાના પતિ મહેશ ભોખણ વસાવા અને તેમના દીકરા દીકરીઓ સાથે ગત 22/6/2016 ના રોજ ગામના હોડી ચકલા પાસે આવેલ પીપળાના ઝાડ નીચે બેઠા હતા.દરમિયાન મહેશ વસાવાનો ભત્રીજો કાલિદાસ ચંદુ વસાવા પોતાના પિતા ચંદુ ભાયા વસાવા સાથે ત્યાં આવી તમે અમારી જમીનનો ભાગ કેમ આપતા નથી કેમ એકલા ખેડી ખાવ છો એમ જણાવ્યું હતું.ત્યારે આ જમીન તો મારા પિતાએ વેચાણ રાખેલ છે તમને ભાગ નહિ મળે એવો મહેશભાઈએ સામો જવાબ આપતા મામલો બીચકયો હતો.અને ભાઈ ચંદુ વસાવાએ ધારીયું ઉઘમતા મહેશભાઈ નીચે પડી ગયા હતા ત્યારે તકનો લાભ લઇ ભત્રીજા કાલિદાસે મહેશભાઈ પર કુહાડીના ઉપરા છાપરી ઘા મારતા એમનું ઘટના સ્થળપર મોત નીપજ્યું હતું.આ મામલે આમલેથા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
બાદ આ કેસ રાજપીપળા ડિસ્ટ્રીકટ & સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલની દલીલોને અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી જજ જે.પી.ગઢવીએ કાકાની હત્યાના આરોપી કાલિદાસ ચંદુ વસાવાને આજીવન સખત કેદ અને દંડ ફટકાર્યો હતો.તો બીજી બાજુ મહેશનો ભાઈ ચંદુ વસાવાને શંકાનો લાભ અપાયો છે.