નર્મદા બંધની પાણીની આવક વધી પરંતુ સપાટી 104.67 મીટર પર સ્થીર, ઉનાળો આકારો બનતા પાણીની માંગ પણ વધી.
વિશાલ મિસ્ત્રી રાજપીપલા:સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમના વીજમથક ચાલુ કરાતા તે પાણી ડિસ્ચાર્જ થઇ નર્મદા ડેમમાં આવી રહ્યું છે.જેથી નર્મદા ડેમ પર પાણીની આવક 2704 ક્યુસેક થઈ છે. જેના થકી હાલની ડેમની સપાટી 104.67 મીટર થઈ છે.નર્મદા ડેમના ઉપરવાસમાંથી જે 500 ક્યુસેક પાણીની આવક હતી એ હાલ 2704 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમ માટે સારી બાબત છે.કેમ કે ગુજરાત રાજ્યને પીવાનું પાણી આપવા નર્મદા ડેમના ડેડ સ્ટોરેજ પાણી માંથી IBPT દ્વારા પણ 3127 ક્યુસેક પાણી લેવાય રહ્યું છે.જેમાંથી 2470 ક્યુસેક પાણી મુખ્ય કેનાલ મારફતે પાણી રાજ્યભરમાં મોકલવામાં આવી રહ્યું છે.ત્યારે રોજનું 3127 કયુસેક પાણી તો કેનાલ મારફતે રાજયમાં અને ગોડબોલે ગેટ મારફતે નર્મદા નદીમાં છોડવામાં આવે છે.સામે નર્મદાના ઉપરવાસમાંથી માત્ર 500 ક્યુસેક પાણીની આવક હતી જેને બદલે હવે 2704 ક્યુસેક થઇ છે.જેણે નર્મદા બંધની ઘટતી સપાટી પર બ્રેક મારી છે.બાકી આવક કરતા જાવક વધુ છે જેને કારણે નર્મદા બંધની સપાટી દિન પ્રતિદિન ઘટી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારમાં માંગ કરી હતી કે નર્મદા નદીને જીવંત રાખવા માટે 615 ક્યુસેક પાણીની જગ્યાએ 1500 ક્યુસેક કરવામાં આવે.જેથી નર્મદા ડેમના ડાઉનસ્ટ્રીમમાં નદી કાંઠાના ભરૂચ જિલ્લાના તેમજ ચાણોદ,કરનાળી વગેરે વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે જે દૂર થાય.એ માંગ તો હજુ યથાવત છે.આ માંગ સ્વીકારવામાં નથી આવી પરંતુ હાલ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા પાણીનો સંગ્રહ કેટલો થાય તેના પર સૌ નજર રાખી બેઠા છે.
નર્મદા ડેમમાં પાણીની આવકમાં 24 કલાકમાં 1000 ક્યુસેકનો વધારો.ગઈકાલે 1785 ક્યુસેક પાણીની આવક હતી જે રવિવારે વધીને 2704 ક્યુસેક થઈ.ઇન્દિરા સાગર ડેમનું 21 એપ્રિલનું રુલ લેવલ 249 મીટર છે તે જાળવવા માટે ભૂગર્ભ જલવિદ્યુત મથકમાંથી પાણી છોડાઈ રહ્યું છે.જો કે સરદાર સરોવરમાં પાણીની આવક સામે જાવક વધુ રહેતા છેલ્લા અઠવાડીયામાં સપાટી 22 સે.મી.સપાટી વધી છે.હાલ સરદાર સરોવરમાં પાણીની સપાટી 104.67 મીટર છે.મુખ્ય કેનાલમાં 2470 ક્યુસેક અને નદીમાં 615 મળી કુલ 3085 ક્યુસેક જાવક છે.