મહારાષ્ટ્રના અક્કલકુવામાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠી હોવાનું સાગબારા પોલીસને બાતમી મળી હતી,બાદ બન્ને રાજ્યોની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કામ પાર પાડ્યું.
વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નર્મદા જિલ્લાની સાગબારા પોલીસને નજીકના જ ખામપાડા ગામે દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ હોવાની બાતમી મળી હતી.જેથી સાગબારા પીએસઆઇ સિરસાઠ સહિત અન્ય પોલીસ કર્મીઓએ અલગ અલગ ટુકડીઓ બનાવી છાપા માર્યા હતા.જોકે એમને તપાસ દરમિયાન ત્યાં કોઈ જ ગુનાહિત પ્રવૃત્તિ થતી ન હોવાનું જાણવા મળ્યું હતું.બાદ એમણે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.ત્યારે મહારાષ્ટ્રના અક્કલકુવા તાલુકાના નવાપાડા વિસ્તારમાંથી વહેતી નદીના કોતરોમાં દેશી દારૂ બનાવતી ભઠ્ઠીઓ હોવાનું જાણવા મળ્યું હતું.બાદ સાગબારા પોલીસે આ મામલે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરતા બન્ને રાજ્યોની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી નવાપાડા અને ડોડવા ગામની નદીઓ પાસેથી35,000 રૂપિયાની અંદાજીત કિંમતનો 3500 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો.અને એનો સ્થળ પર જ નાશ કર્યો હતો.આ અંગેની વધુ કાર્યવાહી અક્કલકુવા પોલીસ મથક દ્વારા કરાઈ રહી છે.સાગબારા પોલીસ મથકના પીએસઆઇ સિરસાઠ અને એમની ટિમ ગુનાહિત પ્રવૃતિઓ પર લગામ કસવા કામ કરી જ રહી છે.પરંતુ સાગબારા તાલુકામાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં દેશી દારૂ બને છે એની તપાસ થવી જરૂરી છે.