પાલેજથી પાંચ કિમી ના અંતરે આવેલા અામોદ તાલુકાના ઇખર ગામની સીમમાં અાવેલી હજરત ગેબનશા બાવા ર.અ.ના વાર્ષિક ઉર્સની ગતરોજ શાનદાર ઉજવણી કરાઇ હતી. અા પ્રસંગે ગામમાંથી સંદલ શરીફનું ઝુલુસ હજરત ગેબનશા બાવા ર.અ.ની દરગાહ પર જઇ દરગાહ પર ફુલચાદરો અર્પણ કરાઇ હતી. સંદલ શરીફની વિધિ પાલેજ સ્થિત હજરત પીર સલીમુદ્દીન બાવા સાહેબના શાહબજાદા ડો. મતાઉદ્દીન ચિશ્તિના મુબારક હસ્તે સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફના કાર્યક્રમ બાદ ન્યાઝનો કાર્યક્રમ પણ સંચાલકો દ્વારા યોજવામાં અાવ્યો હતો.
રાત્રે ઇશાની નમાઝ બાદ મુંબઇના મશહુર કવ્વાલ ઝાહિદ નાઝા તથા પુનાના મશહુર કવ્વાલ સુલતાન નાઝાનો કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બંને કવ્વાલોએ સુફીઓના જીવન ચરિત્ર પર સુંદર કવ્વાલીઓ રજુ કરી અકીદતમંદોને મંત્રમુગ્ધ કર્યા હતા. મોડી રાત સુધી ચાલેલા કવ્વાલીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કવ્વાલી રસિકોએ લ્હાવો માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ગેબનશા બાવા કમિટીના સંચાલકો જાવેદ મેઘજી, દિલાવર કાબા,ઉસ્માન ભોલ, મુસ્તાક બાપુ સહિત સમગ્ર કમિટીના સદસ્યોએ ખુબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો…