ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગે શહેરમાં પ્લાસ્ટીક ડ્રાઈવ યોજી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ-વેચાણ કરતા આસામીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
છેલ્લા થોડા દિવસ સુધી સુષુપ્ત અવસ્થામાં રહેલ મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગની ટીમ દ્વારા આજરોજ શહેરમાં ફરી એકવાર પ્રતિબંધિત પ્લાસ્ટીકને લઈને ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં સવારથી સાંજ દરમ્યાન શહેરના ગોળબજાર, વોરાબજાર, શાકમાર્કેટ, જમાદાર શેરી જેવા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ તથા વેપાર કરતા વેપારીઓની દુકાનો પર દરોડાઓ પાડવામાં આવ્યા હતા અને ૧૦ કિલો જેટલો પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી ર૦ વેપારી વિરૂધ્ધ કાયદેસરના પગલા લઈ તમામને રૂા.૯,પ૦૦ની રકમનો દંડ ફટકાર્યો હતો. આ ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો અને પ્લાસ્ટીકનો જથ્થો સગેવગે કરવા દોડધામ કરી હતી.
પોલીસ પ્રોટેક્શનની માંગ
ભાવનગર મહાપાલિકાની સોલીડ વેસ્ટ વિભાગની ટીમ અધિકારીગણ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટીક ડ્રાઈવ માટે કાર્યવાહી અર્થે પહોંચે એ દરમ્યાન માથાભારે વેપારીઓ, અસામાજિક તત્વો કાર્યવાહીમાં દખલ ઉભી કરી કર્મીઓ સાથે ઘર્ષણમાં ઉતરવાના બનાવો વધી રહ્યાં છે. ત્યારે અધિકારીઓએ કાર્યવાહી દરમ્યાન પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. આ અંગે મ્યુ.કમિશ્નરને રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.