ભાવનગર પાલીતાણાના અનિડા ગામે રહેતા પ્રવીણભાઇ વાઘેલાના પુત્ર વિજયના લગ્ન માટે બોટાદના ટાટમ ગામે જઈ રહેલી જાનની ટ્રક રંઘોળા ગામ નજીક ઉંધી પડતાં 27 લોકોનાં મોત થયાં છે. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક નાળામાં ઉંધી વળી ગઇ હતી. ટ્રક ચાલક ઘટના બાદ ફરાર થઇ ગયો હતો.
આ ઘટનાની કરૂણતા એ છે કે, આ અકસ્માતમાં વરરાજાના માતા પિતાના પણ મોત નીપજ્યાં હતાં છતાં વિજયનાં લગ્ન સંપન્ન કરાયાં હતાં. વરરાજા વિજયને આ ઘટનાથી અજાણ રાખવામાં આવ્યો હતો. વિજયે લગ્નની વિધી શરૂ થઈ ત્યારે પોતાના માતા પિતા કેમ હજુ આવ્યાં નતી તેવી પૂછપરછ કરી હતી.
શરૂઆતમાં તો પરિવારનાં બીજાં લોકોએ રસ્તામાં જ છે, આવે છે તેવું કહીને વાતને ટાળ હતી પણ વિજયે સતત પૂછતાં પછી ટ્રક બગડી છે તેથી આવતાં મોડું થશે તેમ કહ્યું હતું. વિજયની સાથે તેની સાળીનાં પણ લગ્ન હતાં અને તેની જાન બોટાદના શિયાનગરથી આવી હતી.
બીજી જાન આવી ગઈ હતી તેથી લગ્નનું મુહૂર્ત જાળવવાના બહાને વિજયને સમજાવીને કન્યાપક્ષ દ્વારા પોંખણા કરવામાં આવ્યા હતા. એ પછી લગ્નવિધી પણ શરૂ કરી દેવાઈ હતી. અલબત્ત લગ્નનો માહોલ પણ ગમગીન જોવા મળી રહ્યો હતો. કન્યા પક્ષ દ્વારા જમવાનું પણ તૈયાર થઇ ગયું હતું પણ કોઈ જમ્યું નહોતું.
બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જઈ રહેલી ટ્રક રંઘોળા નદીના બ્રિજ નીચે ખાબકી હતી. ટ્રક ખાબકીને પલટી મારી જતાં તેની નીચે અને ફંગોળાઈને મોટી સંખ્યામાં જાનૈયા વેરવિખેર થઈ ગયા હતા. આ અકસ્માતમાં 27નાં મોત થયાં હતાં જ્યારે 40 જેટલા જાનૈયા ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
કોળી પરિવારની જાન સિંહોર તાલુકાના અનિડા ગામેથી ટાટમ ગામે જઇ રહી હતી. વરરાજા પણ ટ્રકમાં જ જવાના હતા પરંતુ તેણે છેલ્લી ઘડીએ કાર મગાવી હતી. જો કે અકસ્માતમાં વરરાજાના પિતા પ્રવિણભાઈ અને માતા પ્રભાબેનનાં મોત થયાં હોવાની કરૂણ ઘટના બની છે