(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)
નર્મદા જિલ્લાના લગભગ 90 થી પણ વધુ ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટીની સમસ્યાઓને લીધે પ્રજાને હાલાકી વેઠવી પડે છે.તો આ ગંભીર પ્રશ્ને રાજપીપળાના જાગૃત નાગરિક રાહુલ પટેલે જિલ્લા કક્ષાના “સ્વાગત ઓનલાઈન” ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી.જેમાં જણાવાયું હતું કે જિલ્લાના 90 થી વધુ સેડો વિસ્તારમાં અકસ્માત ઝોન પણ આવેલા છે.જેથી અકસ્માત જેવી સ્થિતિમાં જરૂરી મદદ તુરંત મળી રહેતી નથી.ઉપરાંત સ્થાનિક પ્રજાને પણ આરોગ્યલક્ષી સેવાઓ મેળવવામાં તકલીફ પડે છે.નર્મદા ડેમ સહિત જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોએ નોન-કનેક્ટિવિટી અને અમુક વિસ્તારમાં માત્ર BSNL કંપનીનીજ કનેક્ટિવિટી મળી રહી છે.જેને કારણે પ્રવાસીઓને તકલીફો પડે છે.એ પ્રકારની રજુઆત કરી હતી.
તો આ મામલે નર્મદા કલેકટર કચેરી દ્વારા BSNLના ડિવિઝનલ એન્જીનિયરને અરજદારની જાત મુલાકાત લઈ આ પ્રશ્ન બાબતે ઉકેલ લાવી તેને લગતા જવાબો આપી અરજદારને જવાબ મળેલ છે એ મુજબની ખાત્રી આપવા બે વખત લેખિતમાં જાણ પણ કરી હતી.તો આ મામલે ગુરુવારે નર્મદા જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં સુનાવણી રખાઈ હતી.આ સુનાવણી દરમિયાન BSNL અધિકારીઓ પોતાની મુલાકાત ના લીધી હોવા ઉપરાંત આ અરજી પરત્વે કોઈ કામગીરી કરી ન હોવાની ફરિયાદ અરજદાર રાહુલ પટેલ કલેકટરને કરતા કલેકટર આર.એસ.નિનામાં ગુસ્સે ભરાયા હતા.અને BSNLના અધિકારીઓનો રીતસરનો કલાસ લઈ ખખડાવી નાખ્યા હતા.પ્રજાની સુવિધા બાબતે કલેકટરે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા હાજર અન્ય અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.બાદ હોમવર્ક વિના આવેલા BSNL અધિકારીઓને નર્મદા જિલ્લાના નોન-કનેક્ટિવિટી વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી સમસ્યાઓનું નિવારણ કરવા કલેકટરે આદેશ કર્યો હતો.