(વિશાલ મિસ્ત્રી રાજપીપલા )
તિલકવાડા તાલુકાના કાટકોઈ ગામ પાસે ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં સ્ટીલના સળિયાનું ઉભા કરેલા સ્ટ્રક્ચર પર દેવગઢ બારિયાના કામદારો કામ કાજ કરી રહ્યા હતા.દરમીયાન અચાનક એ સળીયાનુ સ્ટ્રક્ચર પડી જતા એક કામદારનું એમાં દબાઈ જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.ત્યારે આ ઘટનામાં એની સાથે અન્ય ત્રણ કામદારોનો આબાદ બચાવ થયો હતો.બીજી બાજુ કોઈ પણ સેફટી કીટ વગર કામદારો આ કામગીરી કરતા હોવાથી ઘટના ઘટી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઓ થઈ રહી છે.આ ઘટના બાદ કોન્ટ્રાકટ કંપનીની બેદરકારી પણ સામે આવી છે.આ ઘટના બાદ સ્થાનિક કામદારો અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો છે અને વળતરની માંગણી પણ કરી રહ્યા છે.સાથે સાથે કોન્ટ્રક્ટ કંપની બેદરકારી રાખી કામદારોને કોઈ સેફટી કીટ આપતા નથી એવા અનેક આક્ષેપો પણ લગાવી રહ્યા છે.આ ઘટનાને પગલે નર્મદા પોલીસે પણ એફ.એસ.એલ ની ટીમ બોલાવી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ડભોઇથી તિલકવાડા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડાતો ફોરલેન માર્ગના નાળાની કામગીરીમાં દીવાલ ઉભી કરવા સ્ટીલના સળીયાનુ સ્ટ્રક્ચર ઉભું કરવાનું કામ ચાલતું હતું એમાં દાહોદના દેવગઢ બારીયાના મોટી ખજૂરીનો 22 વર્ષીય કામદાર મહેશ લેસભાઈ પટેલ કામ કરી રહ્યો હતો.પરંતુ અચાનક આ સળિયાનું સ્ટ્રક્ચર પડતા એમાં કામ કરતા ચાર જેટલા કામદારો પડ્યા હતા.જેમાં નીચે કામ કરતો મહેશ પટેલ દબાઈ જતા એનું કરુણ મોત થયું હતું.જ્યારે એની સાથેના શંકર સુરસીંગ બારીઆ,મુકેશ વજેસિંગ બારીઆ,રવિન્દ્ર મંગા બારીઆ સહિત ત્રણનો આબાદ બચાવ થયો હતો.આ ઘટનાને પગલે ખાનગી કંપનીના આધિકારીઓ અને સિપીઆઈ આર.એન.રાઠવા,પો.સ.ઈ એ.આર.ડામોર સહીત ઘટના સ્થળે પહોંચી જરૂરી તાપસ હાથ ધરી અને મૃતકને બહાર કાઢી તિલકવાડા આરોગ્ય કેન્દ્રમાં પીએમ માટે મોકલી આપ્યો હતો.