ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આગામી શિવરાત્રિના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે એ માટે એસીપી સરવૈયાએ સ્ટાફના માણસોને માથાભારે પ્રકૃતિના તથા ગેરકાયદે હથિયાર રાખતાં હોય એવા તત્ત્વો અંગે માહિતી મેળવી કાર્યવાહી માટે કામે લગાવ્યા છે. આ બાબતને લઇ લિંબાયત વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતાં હેડ કોન્સટેબલ નિશિલ પાટીલ તથા મહેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે સણિયા હેમાદ વિસ્તારની શુભમ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી બે યુવકોન અટકાતમાં લેવાયા હતાં. મુકેશ ઉર્ફે છોટુ રામ અજોર યાદવ તથા સંજય ઉર્ફે મુન્ના ભગવાનદીન ગૌતમની અંગજડતી લેવાતાં એક કારતૂસ ભરેલી પિસ્તલ તથા દેશી તમંચો મળી આવ્યો હતો. શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરતાં અને ત્યાં જ રહેતાં આ બંને યુવકો ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની છે. ગેરકાયદે હથિયાર રાખવા અંગે આ બંનેની કડક પૂછપરછ કરાતાં તેઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી. ક્રાઇમબ્રાન્ચના જણાવ્યા અનુસાર મુકેશ યાદવ છેલ્લા અઢી વર્ષથી તો સંજય ગૌતમ છ વર્ષથી સુરતમાં રહે છે. તેઓ કામ કરે છે એ શુભમ ઇન્ડસ્ટ્રીઝની પાસે મની ટ્રાન્સફરની બે ત્રણ ઓફિસ છે. આ ઓફિસમાં રોજબરોજ લાખોની રોકડનો વ્યવહાર તેઓ જોતા આવ્યા હતાં. અહીં લૂંટ કરવામાં આવે તો મોટી રકમ હાથ લાગે એવો વિચાર તેઓને આવ્યું અને પછી તેને અમલી બનાવવા પ્લાનિંગ પણ કર્યું હતું. મુકેશે મહિના અગાઉ સંજયને આઝમગઢ મોકલી ફાયર આર્મ્સ મંગાવ્યા હતાં. આ હથિયારો લઇ તેઓ લૂંટના ઇરાદે ફરતાં હતાં અને ક્રાઇમ બ્રાન્ચે તેમને પકડી લીધા હતા.
સૌજન્ય(અકિલા)