તપોવન વિદ્યા કુંજ સત્યમ બી.ઍડ. કોલેજમાં ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ તથા આચાર્યોની ફાયર સેફ્ટી માટે ઉભી થયેલ ગંભીર પરિસ્થિતિ વિશે ચર્ચા વિચારણા કરવા માટે અગત્યની મિટિંગ યોજાઇ…
પાલેજ :- તાજેતરમાં રાજકોટમાં સર્જાયેલી ગેમઝોનમાં આગ દુર્ઘટનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં ફાયર સેફટી અંગેનો પરિપત્ર કરી તમામ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ફાયર સેફટીની એન.ઓ.સી. મેળવી સાધનો વસાવી તેનો ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી છે ત્યારે આવા જંગી ખર્ચને પહોંચી વળવા નાણાકીય ભંડોળ ન હોવાને કારણે મોટાભાગની શાળાઓને માટે વિકટ પરિસ્થિતિ ઉભી થવા પામી છે તેમાંય ખાસ કરીને ઓછી ફી લઈને શાળાઓ ચલાવતી શાળાઓના મંડળોને ઘણું બધું સહન કરવાનું થતું હોવાની વાત ચર્ચાય રહી છે.
ત્યારે આવી વિકટ પરિસ્થિતિમાં સરકારશ્રીને આ બાબતે માહિતગાર કરી ફાયર સેફટીના નિયમોને હળવા કરવા અને આ કામમાં સરકારશ્રી પોતે મદદરૂપ બને તે માટે સરકારશ્રીને વિનંતી કરવા માટે એક અગત્યની મિટિંગ તપોવન વિદ્યા કુંજ સત્યમ બી.એડ. કોલેજ ભરૂચમાં ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ દિનેશભાઇ પંડ્યાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી પ્રવિણસિંહ રણાએ સભાને સંબોધતા તેમના પ્રાસંગિક પ્રવચનમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા શાળાઓ સક્ષમ ન હોય આ બાબતે ઉભી થયેલ પરિસ્થિતિને માટે જરૂરી માર્ગદર્શન અને તેને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ખુબ સુંદર વક્તવ્ય રજુ કર્યું હતું .તેમના જણાવ્યા મુજબ સરકારશ્રી બીજા શૈક્ષણિક સાધનો માટે જો મદદ કરી શકતી હોય તો ફાયર સેફ્ટીના સાધનો માટે કેમ ન આપી શકે ? તો આ માટે સરકારશ્રીએ કુણું વલણ અપનાવી સાધનોની વ્યવસ્થા કરી આપે તેવી અપીલ કરી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી બોર્ડ ના સભ્ય તરીકે પ્રવિણસિંહે ગાંધીનગર ખાતે વહીવટી કર્મચારી અને પટાવાળાની ભરતી બાબતે પણ સરકારશ્રી તરફથી મળેલ હૈયાધારણની વાત કરી હતી . તેમના વક્તવ્યને હાજર જનોએ વધાવી લીધી હતી .ત્યાર બાદ હાજર મંડળના હોદ્દેદારોએ પોત પોતાના પ્રતિભાવો રજુ કરી ફાયર સેફટી અંગે પોતાની વ્યથા રજુ કરી હતી.પ્રતિભાવોમાં ફાયર સેફ્ટી માટે સરકાર શાળાઓમાં લેપટોપ,સ્માર્ટબોર્ડ કમ્પ્યુટર આપે છે તેજ રીતે ફાયર સેફ્ટીના સાધનો આપે તેમ માંગ કરી હતી.. ફાયર સેફ્ટીની પ્રવર્તમાન ઉભી થયેલ પરિસ્થિતિ થી સરકારશ્રી ને માહિતગાર કરવા સોમવાર તા. 12/ 08/ 2024 ના રોજ ભરૂચ જિલ્લાના તમામ માધ્યમિક ઉચ્ચતર માદયમિક ગ્રાન્ટેડ/ નોન ગેરન્ટેડ શાળાઓના શાળા સંચાલક મંડળના હોદ્દેદારો ભરૂચ જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર આપવા પણ સભામાં નક્કી થયેલ છે તે મુજબ શાંતિપૂર્વક આવેદનપત્ર પણ આપશે.આ અંગે પોતાના વિસ્તારના ધારાસભ્યશ્રી ને પણ પરિસ્થિતિથી વાકેફ થવા અને સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે આવેદનપત્ર પાઠવવા અનુરોધ કર્યો હતો અંતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષશ્રી દિનેશભાઇ પંડ્યાએ ફાયર સેફ્ટી વિષે સુંદર છણાવટ કરી ઉભી થયેલ આ પરિસ્થિતિમાં સરકારશ્રીને ગંભીરતા પૂર્વક વિચારી કોઈ સરળ રસ્તો કાઢવા અપીલ કરી હતી…
:- યાકુબ પટેલ..પાલેજ…