ભરૂચના સાયખા જીઆઇડીસી માં ડમ્પિંગ પોઇન્ટ ન બનાવવા મુખ્યમંત્રીને આવેદન પાઠવતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા
ભરૂચ શહેર નગરપાલિકા માં જીઆઇડીસી વિસ્તારમાં ડમ્પીંગ પોઇન્ટ બનાવવામાં આવનાર હોય, ગંદો કચરો અને ઔદ્યોગિક એકમો હોય આથી આ વિસ્તારમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ અત્યંત વધી જશે, જેનો વિરોધ નોંધાવતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન તથા વાગરા વિધાનસભા ના ધારાસભ્ય અરુણસિંહ અજીતસિંહ રાણા દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
અરુણસિંહ રાણા દ્વારા પાઠવાયેલા લેખિત આવેદન પત્રમાં જણાવ્યું છે કે વાગરા વિધાનસભા જીઆઇડીસી નજીક ગામડાઓ અને ઉદ્યોગોની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરનો ગંદો કચરો શાખા જીઆઇડીસીમાં ઠલવવામાં આવશે તો આ બાબત અયોગ્ય છે, નગરપાલિકા દ્વારા ઠાલવવામાં આવતા ગંદા કચરાના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વાયુ પ્રદુષણથી પરેશાનીનો સામનો કરવાનો વારો આવશે, અહીં વાગરા ની આસપાસના ગામડાઓમાં મોટાભાગના ઔદ્યોગિક એકમો આવેલા છે ઉપરાંત અહીં નગરપાલિકા દ્વારા આસપાસના વિસ્તારમાં ડમ્પિંગ પોઇન્ટ બનાવવામાં આવતા સમગ્ર ભરૂચનો કચરો વાગરામાં ઠાલવવામાં આવનાર હોય જેથી લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનશે, ભરૂચ નગરપાલિકા થી સાયખા અંદાજિત 30 થી 35 કિલોમીટરનું અંતર છે જેના કારણે ભરૂચ થી વાગરા સુધી ગંદો કચરો લઈ જવામાં પણ રોજ નગરપાલિકા અને વહીવટી ખર્ચમાં પણ વધારો થશે અને નાણાનો ખોટો વ્યય થાય છે આ વિસ્તારના રહેવાસીઓએ ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં જીઆઇડીસી પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા ડમ્પીંગ પોઇન્ટ બનાવવામાં નહીં આવે જો આગામી સમયમાં ભરૂચ નગરપાલિકા દ્વારા વાગરામાં ડમ્પિંગ પોઇન્ટ બનાવવામાં આવશે તો અત્રે ના રહેવાસીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.