ઝઘડિયા તાલુકામાં નેશનલ હાઇવે સહિત રાજ્ય ધોરીમાર્ગ પર અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત..
નેશનલ હાઇવે પરના મુલદ ઓવરબ્રીજ પર ટેન્કરની અડફેટે ફોર વ્હિલ ગાડીને નુકશાન
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તાલુકાની હદમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ પસાર થાય છે,અને તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પણ અકસ્માતો વધી રહ્યા હોવાની વાતો સામે આવી છે. ગતરોજ તાલુકાના મુલદ નજીક નેશનલ હાઇવેના ઓવર બ્રીજ ઉપર પાછળથી આવતા એક ટેન્કર ચાલકે એક ફોર વ્હિલ ગાડીને ઓવરટ્રેક કરવા જતા ફોર વ્હિલ ગાડીને આગળના ભાગે અડફેટમાં લેતા ફોર વ્હિલ ગાડીના આગળના ડ્રાઇવર સાઇડના વ્હિલની રીંગ તુટી જઇને ટાયર ફાટી ગયું હતું. મળતી વિગતો મુજબ દિલ્હી ખાતે રહેતા નિવૃત નેવી કમાન્ડર ઉદય જોસેફ ગતરોજ તા.૨૧ મીના રોજ તેમની ફોર વ્હિલ લઇને મુંબઇ તરફ જઇ રહ્યા હતા તે દરમિયાન સવારના ૧૦ વાગ્યાના અરસામાં તેઓ મુલદ ઓવર બ્રીજ ઉતરીને અંકલેશ્વર તરફના રોડ ઉપર આવતા અચાનક પાછળથી આવતા એક ટેન્કર ચાલકે તેમની ફોર વ્હિલ ગાડીને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેન્કર ચાલક નાશી ના જાય તે માટે ફોર વ્હિલ ચાલકે ટેન્કરની આગળ તેમની ગાડી ઉભી કરી દીધી હતી. ત્યારબાદ ફોર વ્હિલ ચાલક ઉદય જોસેફે પોલીસ હેલ્પલાઇન સહિત અન્ય હેલ્પલાઇન નંબરો પર કોલ કરવા છતાં કોઇ જવાબ મળ્યો નહતો. ત્યારબાદ સાડા અગિયાર આસપાસના સમયે એક પોલીસ વાન ત્યાં આવતા તે લોકોએ ટેન્કર ચાલક સાથે કંઇ વાત કરી હતી અને પોલીસ વાન તેમજ ટેન્કર ત્યાંથી રવાના થઇ ગયા હતા.ત્યારપછી બપોરના પોણા એક વાગ્યાના સમયે એક પી.સી.આર.વાન ત્યાં આવી હતી અને ફોર વ્હિલ ચાલકને તેમાં બેસાડીને ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ આપવા લઇ ગયા હતા. અકસ્માત કરનાર ટેન્કરનો નંબર ફોર વ્હિલ ચાલકે લખી લીધેલ હોઇ ફોર વ્હિલ ચાલક ઉદય જોસેફે ઝઘડિયા પોલીસમાં ટેન્કર ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા