ભરૂચ : જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને લઇ વૃક્ષો ધરાશાયીના બનાવો બન્યા
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ અને પવન ફૂંકાતા અનેક ઠેકાણે વૃક્ષો નમી પડવા અને ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે.
વિગતવાર નજર કરીએ તો, ભરૂચ શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો જમીનદોસ્ત થવાના કારણે યાતાયાત બાધિત થવાના દૃશ્યો પણ સામે આવ્યા છે. ભરૂચ શહેરના શિફા વિસ્તારમાં મહાકાય વૃક્ષ વરસાદના કારણે મુખ્ય માર્ગ પર ધરાશાયી થતાં જેસીબી વડે તેને હટાવવાની કામગીરી કરવામાં આવતા એક તરફનો માર્ગ બંધ કરાયો હતો. જેથી ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી. તો બીજી તરફ થામ ગામ નજીક મુખ્ય સ્ટેટ હાઇવે પર અને કંથારિયા ગામ નજીક પણ વૃક્ષો ઢળી પડતાં લોકો માટે મુશ્કેલી ઊભી થઈ હતી. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ભરૂચ જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે અનેક નાની મોટી દુર્ઘટનાઓ ઘટી છે. તો કેટલાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.