સરદાર પ્રતિમાને જોડતો ધોરીમાર્ગ બિસ્માર, વાહનચાલકો ત્રાહિમામ, માર્ગનું સમારકામ હાથ ધરવા લોકમાંગ ઉઠી…
ભરૂચના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતો ધોરીમાર્ગ દિવસે દિવસે અત્યંત બિસ્માર બનતો જતો હોઇ વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. માર્ગનું ચાર માર્ગીય નિર્માણ થતા ભરૂચ અને નર્મદા જિલ્લાના આ પટ્ટી પરના વિસ્તારના ગામોની જનતા અને વાહનચાલકો માટે એક મહત્વની સુવિધા ઉપલબ્ધ બની છે. પરંતું માર્ગ વારંવાર તેના પર પડતા મોટામોટા ગાબડાઓથી વિકૃત બનવાની સમસ્યા સર્જાતી હોઇ લોકોને આ મહત્વની સુવિધાનો યોગ્ય લાભ નથી મળતો. હાલ ચોમાસું શરૂ થયું છે ત્યારે ચોમાસાની શરૂઆતે જ તાલુકાના મહત્વના વેપારી મથક ગણાતા રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફનો માર્ગ બિસ્મારતાની હદ વટાવી જતા નાછુટકે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબુર બન્યા છે. ચાર રસ્તાથી રાજપીપલા તરફની સાઇડના માર્ગ પર એક તરફના રોડ પર મોટામોટા ગાબડા પડતા તેમાં ચોમાસાનું પાણી ભરાતા કાદવ કિચ્ચડનું સામ્રાજ્ય ફેલાયું છે.
વાહનો તો ઠીક પરંતું લોકોને પગપાળા ચાલતા જવામાં પણ તકલીફ પડે એટલી હદે માર્ગ વિકટ બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ઉલ્લેખનીય છેકે આ ધોરીમાર્ગ રાજપિપલાની આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગને જોડે છે. વળી રાજપિપલાની આગળ બોડેલી છોટાઉદેપુર તરફના વાહનો પણ અંકલેશ્વર સુરત મુંબઇ તરફ જવા માટે આ ધોરીમાર્ગનો ઉપયોગ કરતા હોય છે. માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરુ થયા બાદ કેટલોક સમય કામગીરીનું કામ બંધ પડ્યુ હતું,તે સમય દરમિયાન જ્યાં જયાં માર્ગની કામગીરી પુરી થયેલ હતી તેવા સ્થળોએ માર્ગ ગાબડા પડીને બિસ્માર બનતા આ ગાબડાઓ લોકો માટે તકલીફરૂપ બન્યા હતા. ત્યારે તંત્ર દ્વારા કેટલીયે વાર ગાબડાઓ પુરવાની કામગીરી થઇ હતી,પરંતું ત્યારબાદ થોડાજ સમયમાં માર્ગ પાછો અસલ સ્થિતિમાં આવી જતા વાહનચાલકોની યાતના યથાવત રહેતી જોવા મળે છે. લોકચર્ચા મુજબ માર્ગ દુરસ્ત કરવાની કામગીરીમાં નામ માત્રનો ડામર ઉપયોગમાં લઇને માથા ઉતરતું દાન જેવી કામગીરી કરાતા માર્ગ પરના ગાબડાઓ પાછા અસલ સ્થિતિમાં આવી જતા હોય છે. હાલમાં ચોમાસાની શરૂઆતે જ રાજપારડી નગરના ચાર રસ્તા નજીક એક તરફના માર્ગ પર ગાબડાઓમાં પાણી ભરાતા કાદવ કિચ્ચડથી ઉભરાતા આ માર્ગ પરથી વાહનોએ જવું દુસ્કર બનતા નાછુટકે વાહનચાલકો રોંગ સાઇડે જવા મજબુર બન્યા છે,આને લઇને અકસ્માતો થવાની સંભાવના પણ રહેલી છે. આમેય આ ધોરીમાર્ગ અકસ્માત ઝોન બની રહ્યો છે ત્યારે માર્ગ પરના ખાડાઓ વધુ અકસ્માતોને જાણે આવકારવા બેઠા હોય એવી સ્થિતિ હાલતો સર્જાઇ છે. ત્યારે આ બાબતે યોગ્ય કરવા તંત્ર ક્યારે આગળ આવે તેની રાહ જનતા જોઇ રહી છે…
:- યાકુબ પટેલ..ભરૂચ…