જંબુસર: નગરના રોડ પ્રશ્ને શહેર અને તાલુકાના જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું..
જંબુસર નગરના ટંકારી ભાગોળથી એસ.ટી ડેપોનો માર્ગ ખૂબ જ ખખડધજ બિસ્માર ઘણા સમયથી હોય જંબુસર નગરપાલિકા તેમજ અન્ય કચેરીઓમાં મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. અને ઘણા વર્ષોથી આ બિસ્માર માર્ગને લઈ વાહનચાલકો, રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. વહેલી તકે આ રોડનું કામ કરવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
જંબુસર શહેર અને તાલુકાની જનતા એસ.ટી ડેપો પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ બાઈક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે પહોંચી ભૂપેન્દ્રસિંહ મહિડાની આગેવાનીમાં પ્રાંત અધિકારી એમ.બી પટેલને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું. કે ટંકારી ભાગોરથી ડેપો સુધીનો રોડ તૂટી ગયેલ અને રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. આ રસ્તા પરથી તાલુકાની જનતા અવર-જવર કરે છે. અને વાહનોને વારંવાર નુકસાન પહોંચે છે. અને અકસ્માતોના બનાવો બને છે. ટંકારી ભાગોળ વિસ્તારથી ડેપો સુધી માં શાળા, કોલેજ,બેંકો,સરકારી કચેરીઓ સહિત આવેલ હોય જનતાને રોજબરોજ આ રોડ પરથી અવરજવર કરવી પડતી હોય છે. તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો બનાવવામાં નહિ આવે તો દસ દિવસ બાદ તમામ જાગૃત નાગરિકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબુસર શહેર અને તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા.