ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત
_________________________________
તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને પગલે તાલુકાની જનતામાં ચિંતા ફેલાઇ
_________________________________
ઝઘડિયા તા.૨૭ જુન ‘૨૪
________________________________
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર દિવસેદિવસે વધતા જતા અકસ્માતો ચિંતાજનજ બન્યા છે. આવા અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા છે.તાલુકામાંથી પસાર થતાં ધોરીમાર્ગ સહિતના અન્ય ગ્રામ્ય માર્ગો પર પુર ઝડપે અને બેફિકરાઇથી દોડતા વાહનોથી અકસ્માતો થતા હોવાની વાતો જગજાહેર છે,અને લાંબા સમયથી ચર્ચામાં છે છતાં આવા વાહનો બેરોકટોક અને પુર ઝડપે દોડતા હોવાથી તંત્રએ આ બાબતે લાલ આંખ કરવાની જરૂર જણાય છે. અકસ્માતોની પરંપરાને યથાવત રાખતી એક ઘટનામાં આજરોજ તાલુકાના ગોવાલી ગામ નજીક એક લક્ઝરી બસ અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ સવાર બે ઇસમોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ આજરોજ ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામના રહીશ ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા ઉંમર વર્ષ ૩૬ ના તેમજ ફળિયામાં રહેતા અને મુળ ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામના રહીશ બાબુભાઈ દુર્લભભાઇ વસાવા ઉંમર વર્ષ ૫૪ ના,બન્ને ઇસમો સવારના મોટરસાયકલ લઇને તરીયા ધંતુરિયા ગામે મજુરીકામ કરવા જવા માટે નીકળ્યા હતા,ટીનીયાભાઇ મોટરસાયકલ ચલાવતા હતા અને બાબુભાઇ પાછળ બેઠા હતા. આ લોકો સવારના છ વાગ્યાના અરસામાં ગોવાલી ગામ નજીકથી પસાર થતા હતા ત્યારે એક લક્ઝરી બસ તેમની મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ટીનીયાભાઇના બન્ને પગ બસ નીચે આવી ગયા હતા તેમજ માથાના ભાગે પણ ગંભીર ઇજા થઇ હતી. મોટરસાયકલ પર બેઠેલ અન્ય ઇસમ બાબુભાઇને પણ માથા પગ તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં મોટરસાયકલ સવાર ટીનીયાભાઇ ઠાકોરભાઇ વસાવા તેમજ બાબુભાઇ દુર્લભભાઇ વસાવા બન્ને ઇસમો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ હોઇ તેઓના ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત સંદર્ભે જયંતીભાઇ ઠાકોરભાઇ વસાવા રહે.ગામ મોટાસાંજા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.ઝઘડિયા તાલુકામાં છાસવારે સર્જાતા જીવલેણ અકસ્માતોને લઇને તાલુકાની જનતા ચિંતિત બની છે,અને બેફામ દોડતા વાહનોને અંકુશમાં લેવા તંત્ર લાલ આંખ કરીને કડક કારવાઇ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
સતીશ વસાવા..ઝઘડીયા