ઝઘડિયા એડવોકેટ પ્રોટેકશન એક્ટની માંગ સાથે ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યમાં અવારનવાર વિવિધ અદાલતોમાં કાર્યકર્તા વકીલાતના વ્યવસાયકો પર હિંસક હુમલાઓ બનવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે, જેને ધ્યાને લઈ આજ રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં બાર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સંયુક્ત રીતે કલેકટર સમક્ષ એડવોકેટ પ્રોટેકશન એક્ટ માટે લેખિત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા કલેક્ટર સમક્ષ પાઠવાયેલ આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે , કે એડવોકેટ આપણા કાનૂની પ્રણાલી નો અભિન્ન ભાગ છે , જે ન્યાયની પ્રાપ્તિ માં મદદરૂપ થાય છે, વિવિધ રીતે ન્યાયની પ્રણાલીમા સુનિશ્ચિત રૂપે વિવિધ ભૂમિકાઓ એડવોકેટ ભજવતા હોય છે, ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વકીલો પર ઘાતકી હત્યા, તેમના પરિવારજનોની હત્યા તેમ જ અવારનવાર ધાક – ધમકી ભર્યા મેસેજ મળવા સહિતનું વિસ્તૃત આવેદનપત્ર લેખિત સ્વરૂપે કલેકટર સમક્ષ પાઠવ્યું હતું , આ આવેદનપત્રમાં વિવિધ જિલ્લાઓમાં વકીલો ઉપર થયેલ ઘાતકી હત્યા, મર્ડર તેમજ પરિવારજનોની કરપીણ હત્યા વિશેનો ઉલ્લેખ કરાયો છે, આથી ઝઘડિયા બાર એસોસિએશનના હોદ્દેદારોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે, કે કર્ણાટક તથા રાજસ્થાન રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવામાં આવ્યો હોય, તો ગુજરાત સરકાર સમક્ષ અમારી માંગ છે કે વકીલ સુરક્ષા અધિનિયમ તાત્કાલિક ધોરણે પસાર કરવામાં આવે જેથી કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા લોકો શાંતિ અને સલામતીપૂર્વક પોતાનો વ્યવસાય કરી શકે તેવી કલેકટર સમક્ષ ઝઘડિયા બાર એસોસિએશનના સભ્યોએ માંગણી કરી છે.