ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને બે યુવાનો બદકામ કરવાના ઇરાદે ભરૂચની એક હોટલના રૂમમાં લઇ ગયા હોવા બાબતે પોલીસ ફરિયાદ..
યુવતીની માતાએ બે યુવાનો અને એક મહિલા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી
બે પૈકી એક યુવકની માતાએ સગીરાની માતાને જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળો દીધેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું…
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક ૧૪ વર્ષ ૭ મહિનાની ઉંમરની સગીરાને બે યુવકો કોઇ લાલચ આપીને તેણીને ફોર વ્હિલ ગાડીમાં બેસાડીને ભરૂચની એક હોટલમાં બદકામ કરવાના ઇરાદે લઇ ગયા હોવા બાબતે સગીરાની માતાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાની આ સગીરા એક માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. ગતરોજ તા.૧૮ મીના રોજ સગીરા સવારના સાડા સાત વાગ્યાના સમયે શાળાએ ગઇ હતી, ત્યારબાદ બપોરના સવા બાર વાગ્યે શાળામાંથી સગીરાની વર્ગ શિક્ષિકા બેને સગીરાની માતાને ફોન કરીને પુછ્યું હતું કે તેમની દિકરી આજે શાળાએ કેમ આવી નથી? જેથી સગીરાના પિતાએ શાળાના આચાર્યનો ટેલિફોનિક સંપર્ક કરીને તેઓ તરત શાળાએ ગયા હતા. ત્યારબાદ શાળાના ગેટ પાસેના સીસી ટીવી કેમેરા ચેક કરતા બે ફોર વ્હિલ ગાડી શંકાસ્પદ જણાઇ હતી. સદર ફોર વ્હિલ ગાડીને ઝીણવટથી ચેક કરતા સગીરાને ફોર વ્હિલ ગાડીમાં બેસાડીને લઇ જવાઇ હોવાનું જણાયું હતું. ત્યારબાદ તપાસ કરતા સગીરા કે ફોર વ્હિલ ગાડીની કોઇ ભાળ મળી નહતી. જોકે ત્યારબાદ એમ જાણવા મળ્યું હતું કે રાજપારડીની અલકાપુરી સોસાયટીમાં રહેતો યુવરાજસિંહ રાજ તેમજ રાજપારડી ખાતેના એક મિઠાઇવાળાનો છોકરો સાથે મળીને સગીરાનું અપહરણ કરીને લઇ ગયેલ છે. સગીરાના પરિવાર દ્વારા આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ સગીરાના પરિવારજનો યુવરાજસિંહના ઘરે તપાસ કરવા જતા યુવરાજસિંહની માતાએ આ લોકોને જાતિ વિષયક અપશબ્દો બોલીને ગાળો દીધી હતી. ત્યારબાદ સાંજના પાંચ વાગ્યાના સમયે સગીરા રાજપારડી ખાતેની એક મીઠાઇની દુકાનેથી મળી આવેલ હોવાની જાણ થઇ હતી. આ બાબતે પરિવારજનો દ્વારા સગીરાને પુછતા જાણવા મળ્યું હતું કે તેણીને મેહુલ દિનેશભાઇ પટેલ તથા યુવરાજસિંહ હરિસિંહ રાજ દ્વારા ફોર વ્હિલ ગાડીમાં ભરૂચ ખાતે એક હોટલના રૂમમાં બદકામ કરવાના ઇરાદે લઇ જવાઇ હતી,પરંતું ત્યારબાદ સગીરાને તેના માતાપિતા શોધે છે તેવી જાણ થતા તેણીને પાછી મુકી ગયેલ. આ ઘટના બાબતે સગીરાની માતાએ મેહુલ દિનેશભાઇ પટેલ, યુવરાજસિંહ હરિસિંહ રાજ તેમજ ગાળો દઇને જાતિ વિષયક અપશબ્દો બોલનાર મહિલા તમામ રહે.અલકાપુરી સોસાયટી રાજપારડી તા.ઝઘડિયાના વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
/ સતીશ વસાવા ઝઘડીયા