જો તમે તમારુ જૂનું વાહન કોઈને વેચ્યું હશે અને સરકારી રેકોર્ડમાં તેની માલિકી ચેન્જ કરાવાનું મહત્વનું નહીં સમજયું હોય તો મુશ્કેલીમાં પડી શકો છો. અકસ્માત જેવા કિસ્સામાં વાહન જેમના નામે હોય તેમણે વળતરની રકમ ચૂકવવી પડશે. દેશની સર્વોચ્ચ કોર્ટે એક કેસના ચૂકાદામાં કહ્યું કે, ‘જો કોઈ વ્યકિત પોતાનું જૂનું વાહન વેંચે છે પરંતુ સરકારી રજિસ્ટરમાં તેના માલિકી હક્ક ફેરવતો નથી ત્યારે અકસ્માત જેવી ઘટનાઓમાં વળતરથી લઈને અન્ય તમામ જવાબદારીઓ તેના નામે આવશે.’ કાયદાની આ વિટંબણાનો શિકાર વિજય કુમાર નામનો શખ્સ થયો છે જેણે પોતાની કાર અન્ય એખ વ્યકિતને ૧૨ જુલાઈ ૨૦૦૭ના રોજ વેચી હતી. જે બાદ તેણે સપ્ટેમ્બર ૧૮ ૨૦૦૮ના રોજ આ કાર નવીન કુમાર નામના વ્યકિતને વેચી હતી. જે બાદ તેણે આ કાર મીર સિંહ નામના વ્યકિતને વેંચી હતી. હવે ૨૦૦૯માં મીર સિંહની માલિકીની આ કારને અન્ય એક ડ્રાઇવર ચલાવતો હતો ત્યારે અકસ્માત થયો હતો જેમાં એક વ્યકિતનું મોત થયું હતું જયારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો. આ બાબતે મોટર એકિસડેન્ટ્સ કલેઇમ ટ્રિબ્યુનલે કારના મૂળ માલિકી વિજય કુમાર અને ડ્રાઇવરને રૂ.૩.૮૫ લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે વિજય કુમારે આ આદેશને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. તેણે કહ્યું કે પોતે ગાડીનો માલિક નથી અને તેના વેચ્યા બાદ પણ વાહન એકથી વધુ વખત વેચાઈ ગયું છે. હાલ જેની પાસે વાહન છે તેણે પણ કોર્ટમાં વાહનની માલિકી સ્વીકારી હતી. જે બાદ હાઈકોર્ટે ટ્રિબ્યુનલના ચૂકાદાને ફેરવી નાખ્યો હતો. જોકે ત્યારબાદ એડવોકેટ રિષિ મલ્હોત્રા દ્વારા આ ચૂકાદાને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો કે કાયદામાં લખાયેલ વિરુદ્ઘ કોર્ટ ચૂકાદો આપી શકે નહીં. જેથી સુપ્રીમે પોતાના ચૂકાદામાં કહ્યુ કે, ‘કાયદાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે મોટર વેહિકલ એકટ ૧૯૮૮ના સેકશન૨(૩૦) અનુસાર સરકારી રેકોર્ડમાં માલિક તરીકે વ્યકિતનું નામ બોલતું હોય તે પોતાની જવાબદારીઓથી દૂર રહી શકે નહીં.’