(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નોટિસ મળ્યાને 7 દિવસમાં જો દબાણો દૂર નહિ કરાય તો કાયદેસરની કાર્યવાહીની પાલિકાની ચીમકી,બીજી બાજુ આ નોટિસ પરત નહિ ખેંચાય તો રહીશોએ આંદોલનની ચીમકી આપી.
:રાજપીપળા પાલિકાએ શહેરના વિકાસ માટે કમર કશી છે.રાજપીપળા શહેરના રજવાળાઓ વખતના બે વર્ષો જુના તળાવોના ડેવલોપમેન્ટ માટે રાજ્ય સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરી છે.ત્યારે આ તળાવોના ડેવલોપમેન્ટ માટે તળાવની પાળે આવેલા બિન અધિકૃત દબાણોને હટાવવા પાલિકાએ નોટિસ ફટકારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.આ મામલે એ વિસ્તારના રહેવાસીઓ કલેકટરને આવેદનપત્ર આપી પોતાની હૈયાવરાળ ઠાલવી છે
રાજપીપળા પાલિકાએ હરિસિદ્ધિમાતાજીના મંદિરની પાછળના ભાગે સીટ ન 33 સર્વે નંબર 79 પૈકીની જમીન અને તળાવ ડેવલોપમેન્ટ માટે તળાવની પાળે આવેલા અનઅધિકૃત પાકું કાચું /છાપરા વાળું દબાણ દિન 7 માં દૂર કરવા લગભગ 30 થી વધુ લોકોને નોટિસો ફટકારી છે.જો આમ નહિ કરાય તો કાયદેસરની કાર્યવાહિની ચીમકી પણ ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે.જેની સામે આ વિસ્તરના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.આ વિસ્તારના રહેવાસીઓ આ મામલે કલેકટરને આવેદનપત્ર આપી પોતાની હૈયાવરાળ ઠાલવી છે.જેમાં તેમણે જણાવ્યું છે કે અમે વર્ષોથી અહીં મજૂરી કરી વસાવટ કરીએ છે.અમે રાજપીપળા નગરપાલિકામાં વેરો પણ ભરીએ છે.હાલ ગરીબોને પોતાનું ઘર મળે તે માટે સરકાર મકાનની સહાય પણ આપે છે ત્યારે રાજપીપળા પાલિકા તળાવ ડેવલોપમેન્ટના ઓથા હેઠળ અમને ખસેડી અમારા હક અને અધિકારો છીનવવાની કોશિશ કરી રહી છે.આ નોટીસની પગલે 40 પરિવારો રસ્તે રઝળતા થઈ જશે.અમારા વિસ્તારમાં ગટરની સાફ સફાઈ કે સ્વચ્છતાનું ધ્યાન પણ રખાતું નથી.આ તળાવ સ્લમ વિસ્તારમાં આવે છે અહીં સ્લમ વિસ્તારના નામે આવતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે એ મોટો પ્રશ્ન છે.જો આ નોટિસ પરત નહિ ખેંચાય તો અમે અમારા પરિવારના સભ્યો તથા બાળકો સાથે ખવા પીવાનું છોડી રાજપીપળા નગરપાલિકા પ્રાંગણમાં ઉપવાસ પર બેસી ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.
આ મામલે રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મુનતેઝીર ખાન શેખે જણાવ્યું હતું કે આ બાબતની ચર્ચા કરવા માટે સામાન્ય સભા બોલાવવી પડે.સર્વસંમતિ વિના કિરાયેદારોને નોટિસ અપાય નહીં.નગરનો વિકાસ થાય એ સારી બાબત છે પણ ગરીબ આદિવાસી સમાજને બેઘર કરી નગરનો વિકાસ અમે નથી ઇચ્છતા.કિરાયેદારોને નોટિસ કોના હુકમથી અપાઈ એ તપાસ કરી આંદોલન પણ કરાશે.
આ મામલે રાજપીપળા પાલિકા પ્રમુખ અલકેશસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરના આદેશથી શહેરના તળાવોના ડેવલોપમેન્ટ માટે આ નોટિસો અપાઈ છે.જે કિરાયેદારો હશે એની માટે વિચારાશે પણ અનઅધિકૃત દબાણો કરનારને બિલકુલ બક્ષાય નહીં.અને આગામી સમયમાં શહેરના અન્ય અનઅધિકૃત દબાણો દૂર કરવા પણ કાર્યવાહી કરાશે.