વાગરા વિલાયત GIDCમાં ગતરોજ બ્રેક ફેલ થયેલા પીકઅપ ટેમ્પો પલ્ટીમાં બે કામદારોના મોત બાદ વાગરા પોલીસ એક્શનમાં આવી હતી.પોલીસે કામદારોનું વહન કરતા વાહનો અને મોટર સાયકલ મળી કુલ 19 વાહનો ડિટેઈન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
વાગરા તાલુકાની સાયખા,વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેટાં-બકરાની જેમ ખીચો-ખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે.પરંતુ નિયમોને અભરાઈએ ચઢાવી લોકોની જિંદગી સાથે રમત રમાતી હોય છે.ત્યારે ગતરોજ વાગરા તાલુકામાં આવેલી વિલાયત GIDC માં કામદારોને લઈ જઈ રહેલો પિક-અપ ટેમ્પો પલ્ટી જવાની ઘટનામાં બે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 10 થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થતા તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.ઘટનાની ગંભીરતા દાખવી વાગરા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજાએ માલ વાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતા વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી.
વાગરા પોલીસે કડક ચેકીંગ હાથ ધરી પાંચ બોલેરો ગાડી,6 છોટા હાથી ટેમ્પો,6 મારુતિ ઈક્કો તથા બે મોટર સાઇકલ મળી કુલ 19 વાહનોને 207 મુજબ ડિટેઇન કર્યા હતા.પોલીસની કડક કામગીરીને પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કાયમી વાહન ચેકીંગ હાથ ધરાય તેવી લોક માગ ઉઠી છે.