બેંકમાંથી રૂપિયા ઉપાડી ઘરે જતા ખેડૂતની રૂપિયા ભરેલી થેલી બાઇક સવાર આચકી ફરાર થઇ ગયા
નડિયાદ પાસે ચકલાસી ગામે ખેડૂત બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા ઘરે જતા રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ લોકોએ ખેડૂતની સાયકલ પરથી રૂપિયા ભરેલી થેલી આંચકી ફરાર થઇ ગયા.
નડિયાદ તાલુકાના ચકલાસી ગામે રહેતા રમેશભાઈ માધુભાઈ વાઘેલા પોતે ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈકાલે બપોરે તેઓ
ચકલાસી નગરપાલિકા પાસે આવેલ યુકો બેંકમાં નાણા ઉપાડવા માટે ગયા હતા. રમેશભાઈએ કુલ રૂપિયા ૫૦ હજાર પોતાના ખાતામાંથી વિડ્રો કર્યા હતા અને પોતાની સાથે રહેલ એક કાપડની થેલીમાં મૂક્યા હતા.
બાદમાં રમેશભાઈ બેંકમાંથી નીકળી પોતાની સાયકલ પર પરત ઘરે આવતા હતા. ત્યારે શાકમાર્કેટના રસ્તા પર એક અજાણ્યા બાઇક ચાલકે જણાવ્યું કે કાકા તમારા પૈસા પડ્યા છે જે લઈ લો તેમ જણાવી આ બાઇક ચાલક નીકળી ગયો. પરંતુ રમેશભાઈને પાકો શક જતા તેઓ ઉભા રહ્યા નહીં. ત્યારબાદ એક મોટર સાયકલ પર આવેલ બે લોકોએ રમેશભાઈની સાયકલ આગળ લટકાવેલા રૂપિયા ભરેલા કપડાની થેલી આંચકી ફરાર થઇ ગયા.
આ ત્રણેય લોકોને રમેશભાઈએ બેંકમાં પોતાની સાથે જોયા હતા. રમેશભાઈ કઈ પણ વિચારે તે પહેલા જ આ લોકો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ રમેશભાઇ બેંકમાં પહોંચી પોતાનું ખાતું બંધ કરાવી દીધું હતું. આ બનાવ મામલે રમેશભાઈ વાઘેલાએ ચકલાસી પોલીસ મથકે અજાણ્યા ત્રણ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી નડિયાદ