સરકાર હવે કાળાનાણાં પર લગામ લગાવવા મહત્વનું પગલું ઉઠાવવા જઇ રહીં છે. કંપનીઓ માટે ઈન્કમ ટેક્ષ રીટર્ન ફાઇલ કરાવવાનું હવે અઘરૂ રહેશે નહીં. હવે જે કંપનીઓ ઈન્કમટેક્ષ રીટર્ન ફાઇલ નહીં કરે તેની વિરુદ્ધ દાવો માંડવામાં આવશે. નાણાંકીય બિલ 2018-19માં કંપનીઓના ઈન્કમટેક્ષ રીટર્ન ફાઈલિંગના નિયમમાં સંશોધનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2018થી આ નિયમ લાગુ થશે. કેન્દ્ર સરકાર દેશમાં મોટા ભાગે ફેલાયેલી શેલ કંપનીઓને ધ્યાનમાં રાખી આ નિયમનો પ્રસ્તાવ લાવી છે. જે કંપનીઓ બ્લેક મનીનો વ્હાઈટ મનીમાં રૂપાતંર કરે છે તેવી કંપનીઓને શેલ કંપનીઓ કહેવામાં આવે છે.
ટેક્સ એક્સપર્ટ અને સીએ ગૌરવ જૈનનું કહેવું છે કે જે કંપનીઓ રીટર્ન ફાઇલમાં બેદરકારી દાખવે છે તેની વિરુદ્ધ આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે. દેશમાં લાખો કંપનીઓ ઈન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરતી નથી. જો ફાઈનાન્સ બિલમાં આ પ્રસ્તાવ પસાર થઇ જાય તો આવી શેલ કંપનીઓ વિરુદ્ધ કબજો જમાવી શકાય. ઉલ્લેખનીય છે કે, હાલના નિયમ મુજબ કોઇ પણ કંપનીની આવક કરપાત્ર નથી અને તે રીટર્ન ફાઇન કરતી નથી તો તેવી કંપનીઓ પર દાવો માંડી શકાય નહીં. કેન્દ્ર સરકાર કાળાનાણાંની સામે લડત આપવા સતત શેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી રહીં છે.
સરકાર અંદાજે 2.26 લાખ કંપનીઓનું રજીસ્ટ્રેશન પહેલેથી જ રદ્દ કરી ચૂકી છે અને આવી કંપનીઓ સાથે જોડાયેલા 3.09 લાખ ડાયરેક્ટર્સને ડીસ્ક્વોલિફાઈ કરી ચૂકી છે.
આવકવેરા વિભાગે 2 લાખ લોકોને નોટીસ મોકલી
નોટબંધી દરમ્યાન બેંક ખાતામાં 15 લાખથી વધારે અને તેનાથી વધુ રૂપિયા જમા કરાવનારા અંદાજે 2 લાખ લોકોને ઈન્કમ ટેક્ષ વિભાગે નોટીસ મોકલી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાએ કહ્યું કે, કેટલાક લોકોએ 15 લાખ રૂપિયાથી વધુની રકમ એવા ખાતામાં જમા કરાવી છે, જેને માટે રીટર્ન પણ ફાઇલ કરાવવામાં આવ્યું નથી. તેમણે કહ્યું, અમે આવાં 1.98 લાખ ખાતાઓની માહિતી મેળવી છે.
ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવા ખાતા ધારકોને નોટીસ મોકલવામાં આવી છે. જોકે, આ મોકલેલી નોટીસનો હજી સુધી કોઇએ જવાબ આપ્યો નથી. નોટીસનો પ્રત્યુત્તર ના આપનારા સામે દંડ અને દાવો માંડવા જેવી કાર્યવાહી થઇ શકે છે.