ભરૂચથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનમાં 1476 ભાજપ કાર્યકરો અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શનાર્થે રવાના
– ભગવાન શ્રીરામને કાર્યકર ભક્તો પ્રાર્થના કરે આપણે ભરૂચ બેઠક 5 લાખ મતોથી જીત્યે : મારૂતિસિંહ અટોદરિયા
– દેશમાં ભાજપે તમામ આયમો સર કરી અયોધ્યાધામનું નિર્માણ કર્યું, કાર સેવક તરીકે હું પણ તાજનો સાક્ષી : મનસુખ વસાવા
– ભરૂચ રેલવે સ્ટેશન જય શ્રીરામના ગગનભેદી નાદથી ગુંજયું
ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આજે આસ્થા સ્પેશ્યલ ટ્રેનને અયોધ્યાધામ માટે રવાના કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આજે આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યાધામ જવા રવાના થયા હતા.
ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રીઓ નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, વિનોદ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, વડોદરા DRM જીતેન્દ્ર સિંહ સહિત અન્ય રેલવે અધિકારીઓ અને ભાજપ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સાંસદ મનસુખ વસાવાએ દેશમાં નરેન્દ્ર મોદીના વડપણમાં ભાજપ સરકારે તમામ આયામો સર કરી આજે લાખો હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યા ધામમાં આરાધ્ય દેવ ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ કરી દીધું છે. તેઓ પણ બે વખત કાર સેવક તરીકે ગયા હોવાનું જણાવી હવે રામ રાજ્યની સ્થાપનામાં વડાપ્રધાન આગળ વધી રહ્યા હોય આવનાર વર્ષોમાં ભારત વિશ્વગુરૂ બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ રામલલ્લાના દર્શને જતા ભાજપના કાર્યકર એવા ભક્તોને ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોથી જીતે તે માટે શ્રીરામને પ્રાર્થના કરવા અનુરોધ કર્યો હતો.
આસ્થા ટ્રેનને લીલીઝંડી આપી મહાનુભવો, ભાજપ હોદેદારોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સ્ટેશન પરિસર જય શ્રીરામના દિવ્ય નાદ સાથે પ્રભુ રામમય બની ગયું હતું