ભાજપના શાસનવાળી ગોંડલ નગરપાલિકાની ૨૦ કમિટીઓની વાર્ષિક મુદત પૂર્ણ થઇ હોવાથી હાલ તમામ સત્તા પાલિકાના મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખના હાથમાં આવી છે અને મવડી મંડળના આદેશ મળ્યા બાદ નવી કમિટીઓ રચાશે તેવી માહિતી પાલિકાના સુત્રોમાંથી મળી રહી છે.
ગોંડલ નગરપાલિકામાં મહિલા પ્રમુખની ટર્મ પૂર્ણ થાવામાં ચારથી પાંચ માસ જ બાકી રહી ગયા છે ત્યારે ગોંડલ નગરપાલિકા કચેરીની કારોબારી, બાંધકામ, વાહનવ્યવહાર સહિતની વિવિધ શાખાઓની વાર્ષિક મુદત પૂર્ણ થઇ ગઈ હોવાથી હાલ પાલિકાના પ્રમુખ મનીષાબેન સાવલિયા અને ઉપપ્રમુખ હર્ષદભાઈ વાઘેલાના હાથમાં તમામ સત્તાની આવી છે. ત્યારે કમિટી રચના મામલે પાલિકાના સુત્રો જણાવે છે કે મોવડી મંડળના આદેશ મળતા નવી કમિટીઓની રચના કરવામાં આવશે અથવા આગામી ચાર માસ બાદ પ્રમુખપદ પર પુરુષ સદસ્ય સત્તારૂઢ થવાના છે અને નવી કમિટીઓની રચના ત્યારે જ કરવામાં આવે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે અને મહિલા પ્રમુખનું રોટેશન પૂર્ણ થતા અનેક સદસ્યો પણ પ્રમુખ બનવાના સપના જોવા લાગ્યા છે, પ્રમુખપદ મેળવવા અત્યારથી જ કાવાદાવા થઇ રહ્યા છે ત્યારે કમિટીઓની રચના હાલ કરવામાં આવે છે કે પછી નવા પ્રમુખ સાથે જ નવી કમિટીઓ રચાશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.