22 જાન્યુઆરીએ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના લોકાર્પણ પહેલા સમગ્ર દેશમાં નિકળેલી અમૃત યાત્રા વડોદરા પહોંચી હતી. કાશીની હનુમાન સેના દ્વારા આ યાત્રાનુ સંચાલન થઈ રહ્યુ છે.આ માટે એક મોટી ટ્રક પર વિશેષ પ્રકારના રથનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામ લલા બીરાજમાન થશે તે પહેલા અમૃત યાત્રા સમગ્ર દેશમાં ફરશે. હનુમાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ તિલક દુબેએ કહ્યુ હતુ કે, કુલ મળીને દેશના તમામ રાજ્યોમાંથી 26000 કિલોમીટરનુ અંતર કાપીને આ યાત્રા જાન્યુઆરી મહિનામાં અયોધ્યા પહોંચશે. તેનો પ્રારંભ રાજસ્થાનના બિકાનેરથી થયો છે અને અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી,હરિયાણા જેવા રાજ્યોમાંથી પસાર થઈને યાત્રા ગુજરાતમાં આવી છે.વડોદરામાં એક દિવસના રોકાણ બાદ અમે મહારાષ્ટ્ર જવા માટે રવાના થયા છે.
તેમણે કહ્યુ હતુ કે, મહારાષ્ટ્ર બાદ દક્ષિણના તમામ રાજ્યો અને ઓરિસ્સામાંથી પસાર થઈને યાત્રા અયોધ્યા પહોંચશે.આ યાત્રા દરમિયાન 75 જેટલી જગ્યાઓનુ જળ અને માટી એકત્ર કરવામાં આવશે .આ જળનો રામલલા પર અભિષેક કરવામાં આવશે. 14 જાન્યુઆરીએ અયોધ્યામાં તુલસી પીઠાધિશ્વર જગદગુરુ રામાનંદચાર્ય સ્વામી રામભ્રદ્રાચાર્યજીના જન્મ દિવસ પ્રસંગે અયોધ્યામાં અમૃત મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. વડોદરામાં અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરીત હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ નાગાર્જુન ચતુર્વેદી તથા બીજા આગેવાનોએ અમૃત યાત્રાનુ સ્વાગત કર્યુ હતુ.