ભરૂચ જિલ્લામાં દીપડાઓની સંખ્યામાં ખુબ ઝડપી વધારો થયો છે, જિલ્લામાં ખાસ કરી પૂર્વ વિસ્તારમાં ઝઘડિયા, નેત્રંગ, વાલિયા સહિતના આસપાસના જંગલ વિસ્તારમાં અસંખ્ય દીપડાઓ વસવાટ કરે છે, છાશવારે આ વિસ્તારમાં દીપડાઓ નજરે પણ પડતા હોય છે, ભૂતકાળમાં દીપડાના આતંકનો અનેક લોક ભોગ પણ બની ચુક્યા છે, તેવામાં હવે દીપડાઓ અંકલેશ્વર તરફ પ્રયાણ કર્યું હોવાની બુમ ઉઠવા પામી છે.
છેલ્લા કેટલાક દિવસોથી અંકલેશ્વરના કાંસિયા – માંડવા જેવા વિસ્તારમાં દીપડાની હાજરી જોવા મળી હતી જે બાદ દીપડો નજરે પડતા જ વિસ્તારના લોકોમાં ફાફડાટનો માહોલ છવાયો હતો, મામલે વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.
પરંતુ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તારને જોડતા અંદાડા માર્ગ પાસે દીપડા નજરે પડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે, જે બાદ મામલે વન વિભાગે આ વિસ્તારમાં પાંજરા ગોઠવવાની નોબત આવી છે, આમ છેલ્લા એક સપ્તાહથી અંકલેશ્વર ખાતેના 5 થી વધુ ગામોના લોકો દીપડાના ભયના કારણે સંધ્યાકાળ બાદથી આ માર્ગો ઉપરથી પસાર થવાનું ટાળી રહ્યા છે, અને દીપડા વહેલી તકે પાંજરે વન વિભાગ પુરે અને સલામત સ્થળે તેઓને ખસેડે તેવું ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.