ભરૂચ જિલ્લામાં નશાના નાપાક વેપલાને અંજામ આપતા તત્વો સામે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓએ નશાનો વેપલો કરતા તત્વો ઉપર તવાઈ બોલાવી છે, તેવામાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મોટી સફળતા હાંસિલ થઈ છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ-રાજપારડી રોડ પર નવી નગરી વિસ્તારમાં બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં નવી નગરી વિસ્તારમાં રહેતા રણજીતસિંહ જેસંગબાવા રાજના મકાનના વાડામાંથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. 11 કિલો ઉપરાંત ગાંજાના જથ્થા સાથે એક ઈસમની SOG એ ધરપકડ કરી હતી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે સમગ્ર મામલે 1,13 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લઈ નેત્રંગ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી ઝડપાયેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.