વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન શરૂ કરાયું છે, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે સિટી સેન્ટર બસ સ્ટેશનથી ભરૂચ જીલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ સફાઈ કરીને ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ કેમ્પેઈનનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.
આ પ્રસંગે, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, એસ.ટી.ડેપોના કર્મીઓ, પ્રાર્થના વિદ્યાલયના બાળકો તેમજ સફાઈ કર્મીઓએ સિટી સેન્ટર બસ ડેપોમાં સફાઈ કરી સ્વચ્છતા હી સેવામાં શ્રમદાન કર્યું હતું. આ કેમ્પેઈનનો લોગો, જિંગલ તેમજ સ્વચ્છતા માટે પેસેન્જર ફિડબેક સિસ્ટમ QR કોડ લોન્ચ કરાશે.
આ પ્રસંગે, જિલ્લા કલેક્ટર તુષારભાઈ સુમેરાએ મીડિયા સાથે સંવાદ કરતા કહ્યું હતું કે, “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા”ના લોગો સાથે એસ.ટી.વિભાગ દ્નારા સ્વચ્છતાની થીમનો શુભારંભ થયો છે. આપણા લોકો માટેની યાત્રા માટે આજે પણ એસટી બસ મુખ્ય સાધન છે. ત્યારે બસમાં પણ કચરો ન થાય તેવી સુવિધા ઉભી કરાઈ છે. અને દરેક બસમાં ડસ્ટબિન મૂકવામાં આવી સફાઈ માટે કાળજી રાખવામાં આવી છે. સ્વચ્છતા રાખવું એ આપણી જવાબદારી છે. ત્યારે તમામ જગ્યાએ સ્વચ્છતતા જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી ગંદકી ન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ વેળાએ, મુસાફરો સાથે સંવાદ કરતા ધારાસભ્ય જણાવ્યું હતું કે, આજે રાજયના તમામ ડેપો ઉપર વાહન વ્યવહાર નિગમ દ્વારા “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” ઝુંબેશનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીની પ્રેરણાથી સમગ્ર લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે, ત્યારે એક મહીના સુધી ચાલનારા અભિયાનમાં લોક જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. વધુમાં જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતા આપણી નૈતિક જવાબદારી છે. આ સ્વચ્છતાના પવિત્ર યજ્ઞમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. આ અવસરે એસ.ટી.ના વિભાગીય નિયામક શૈલેષ ચૌહાણ તથા એસ.ટી.ના અધિકારીઓ-કર્મચારીઓ, સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.