ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે જેની પહેલના ભાગરૂપે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું આયોજન સરકાર દ્વારા કરવામાં આવેલ છે.
જે હેતુને ચરિતાર્થ કરવાના શુભ આશયથી આ યાત્રાનો પ્રારંભ વાગરા મુકામેથી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે એપીએમસી ગ્રાઉન્ડ ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો હતો.
વાગરા ખાતેના વિકસિત સંકલ્પ ભારત યાત્રાના અધ્યક્ષપદેથી મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ કોઈ સામાન્ય માણસનો વિચાર નથી. આ વિચાર એ આપણા દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ વિચાર છે. જે છેવાડાના નાગરિકોના જીવનને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરીને ઉજાગર કરવાની સંકલ્પ યાત્રા છે.
આ પ્રસંગે મંત્રીએ વધુમાં ઉમેરતાં જણાવતા કહ્યું કે, પહેલાની સરકારમાં એક રૂપિયો નાગરિકોને આપવામાં આવતો હતો ત્યારે તેમાંથી અમુક રકમ તો વચેટિયાઓ જ લઈ જતા હતા. તે સમસ્યાને કાયમ માટે દૂર કરતાં પ્રધાનમંત્રીએ સીધા જન ધન એકાઉન્ટમાં જ સીધા ડીબિટી મારફતે પહોંચે તેવું આગોતરું આયોજન હાથ ધર્યું છે. જેના કારણે જ સાચા અર્થમાં યોજનાકીય લાભ સાચા લોકોને મળી રહ્યો છે.
આ ઉપરાંત વિશ્વની સૌથી મોટી યોજના ″આયુષ્યમાન ભારત″ હેઠળ દેશના નાગરિકોના સ્વાસ્થની દરકાર કરીને આયુષ્યમાન ભારત કાર્ડ આપીને સુરક્ષારૂપી કવચ આપ્યું છે.દેશના નાગરિકોને ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના થકી અનેક નાગરિકોનું પોતાના ઘરનું સ્વપ્ન સરકારે સાકાર કર્યું છે તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી દેશના દરેક નાગરિકોનો એક સમાન સર્વાગી વિકાસ થાય તે માટેનું સરકારે આયોજન કર્યું છે. ગરીબો માટેની યોજનાઓ સાચા અર્થમાં લોકોને મળી રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભઆશય સાંસદએ ગણાવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પોતાના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૦ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ દ્વારા સરકારની વિવિધ યોજનાઓનું જિલ્લાના મોટાભાગના લોકોને યોજનાકીય લાભો પહોંચાડવાના લક્ષ્યાંક હાંસલ કરી શકાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ એજન્સીની એસ બી એમ શાખા તરફથી સ્વચ્છતા અભિયાન જાગૃતિ માટેનું નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંવાદનું જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. આ કાર્યક્રમ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવતા સહાયના હુકમો તથા ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, જિલ્લા અગ્રણી મારૂતિસિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સદસ્યો, એપીએમસીના ચેરમેન, જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.